વડોદરા : હરણી-સમા લિંક રોડ ઉપર રહેતા અને અમદાવાદ ખાતે આઇસીઆઇસીઆઇ-લોંબાર્ડ બેંકમાં ચિફ મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષના નિરજસિંહ માતાપ્રસાદસિંહે ગત ૧૧ નવેમ્બરે તેના ફ્લેટમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પત્ની, સાસુ-સસરા અને સાળો છુટાછેડાની સાથે સવા કરોડ રૃપિયાની માગ કરીને નિરજસિંહને ત્રાસ આપતા હતા જેના પરિણામે નિરજસિંહે આપઘાત કરી લીધો હોવાની વાત બહાર આવતા હરણી પોલીસે નિરજસિંહની પત્ની નેહા, સાસુ વિમલ અને સાળા અભિષેકની ધરપકડ કરી લીધી છે. જ્યારે સસરા દેવેન્દ્રસિંહ રાવત પોલીસ પકડમાં આવ્યો નથી. દરમિયાન દેવેન્દ્રસિંહ રાવતે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી આ અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.
સાદી ડોટ કોમ ઉપરથી પત્નીના રૃપમાં મળ્યુ મોત : અમદાવાદની ખાનગી બેંકના ચિફ મેનેજરના આપઘાત કેસમાં સસરાના આગોતરા નામંજૂર
નિરજસિંહ હરણી-સમા લિંક રોડ ઉપર અરણ્ય ફ્લેટમાં રહેતો હતો. છેલ્લે તે ૧૧ નવેમ્બર સાંજે પાંચ વાગ્યે જોવા મળ્યો હતો. તેના ફ્લેટમાં બીજા દિવસે કામવાળી આવી ત્યારે ફ્લેટ અંદરથી બંધ હતો. દરવાજાને ખટખટાવ્યા બાદ પણ દરવાજો નહી ખુલતા તેની કામવાળીએ પડોશીઓને જાણ કરી હતી. પડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને દરવાજો ખોલીને જોતો નિરજસિંહ બેભાન હાલતમાં હતો. તેને એસએસજી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને ઝેરી દવાના કારણે તેનું મૃત્યુ થયુ હોવાનું પ્રાથમિક કારણ આપ્યુ હતું.
નિરજસિંહે તેની પત્ની અને સાસરીઓના ત્રાસથી જ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે પિતા માતાપ્રસાદસિંહ (નિવૃત બેંક અધિકારી- રહે.ટકટપુર, વારાણસી, ઉત્તરપ્રદેશ)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ નિરજસિંહ અને નેહા દેવેન્દ્રસિંહ રાવતનો પરિચય સાદી ડોટ કોમ પરથી થયો હતો અને ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા. નેહા રિલાયન્સમાં નોકરી કરે છે. ડિસેમ્બર ૨૦૨૨માં નેહા પ્રેગ્નેન્ટ હોવાથી પિયરમાં (વિન્ટેજ ફાઇવ રેસિડેન્સી, અયપ્પા મંદિર પાસે ન્યુ સમા રોડ) ખાતે જતી રહી હતી. ૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દીકરીનો જન્મ થયો હતો ત્યારથી નેહા તેના પિયરમાં જ છે અને નેહા તથા તેના માતા-પિતા અને ભાઇ પૈસાની માગણી કરીને નિરજસિંહ ઉપર સતત છુટાછેડાનુ દબાણ કરતા હતા. નિરજને સ્યૂસાઇડ કરવા માટે પણ અમારી સામે જ કહ્યું હતું.
નેહાએ સાસુ-સસરાનો સામાન બહાર ફેંકી ઘરમાંથી કાઢી મુક્યા હતા
નિરજસિંહના પિતા માતાપ્રસાદસિંહએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ‘નિરજ અને નેહા અગાઉ હરણીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તે સમયે હું, મારી પત્ની, નિરજનો મોટોભાઇ વિકાસ અને નિરજની મોટી બહેન વંદના વારાણસી નિરજના ઘરે આવ્યા હતા. નિરજ ત્યારે નોકરી પર ગયો હતો. અમને આવકાર આપવાના બદલે નેહા અમારી ઉપર ભડકી હતી અને અમારો સામાન બહાર ફેંકીને અમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા. અમે નેહાને પુછ્યુ કે આવુ વર્તન કેમ કરે છે તો તેણે કહ્યું કે મને પુછ્યા વગર કેમ આવ્યા. પુત્રનો સંસાર બગડે નહી તેનુ ધ્યાન રાખીને અમે વડોદરામાં હોટલમાં રોકાયા હતા. નિરજ અમને ત્યાં મળવા આવતો હતો.
નિરજના પિતાની સામે જ દેવેન્દ્રએ કહ્યું હતું કે નિરજને પતાવી દઇશુ અથવા મરવા માટે મજબુર કરીશુ
નિરજસિંહના પિતા માતાપ્રસાદે પોલીસ ફરિયાદમાં એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે જેમાં કોઇ પણ વૃધ્ધ પિતા પોતાના પુત્રની આવી હાલત જોઇને હચમચી ઉઠે. સપ્ટેમ્બર ૨૦૨૩માં માતાપ્રસાદ જ્યારે સમાધાન માટે વડોદરા આવ્યા ત્યારે નિરજની પત્ની નેહા, સાસુ વિમલ રાવત, સસરા દેવેન્દ્ર રાવત અને સાળા અભિષેક રાવતે નિરજને જે કળવા વેણ કહ્યા હતા તેનો ઉલ્લેખ એફઆઇઆરમાં છે.
નેહા : તુ મને ડિવોર્સ આપી દે અથવા સ્યૂસાઇડ કરી લે
વિમલ : લગ્નનો ખર્ચ ૫૦ લાખ, બાળકીનો ખર્ચ ૯૭ લાખ મળીને ૧.૪૭ કરોડ આપી દે
અભિષેક : તુ મારી બહેનને લાયક નથી, પૈસા આપ અથવા છુટાછેડા આપ
દેવેન્દ્ર : ૧.૨૫ કરોડ આપી દે અમે તમારી વિરૃદ્ધ જે ફરિયાદ આપી છે તેના ઉપર કોઇ કાર્યવાહી નહી કરીએ. નિરજને પતાવી દઇશુ અથવા મરવા માટે મજબુર કરીશું.