અટલાદરા પાદરા રોડ પર મોડીરાતે બાઇક સવાર ત્રણ આરોપીઓ મોપેડ પર જતા મા -દીકરીને ટાર્ગેટ બનાવી રોકડ રકમ ભરેલું પર્સ આંચકીને ફરાર થઇ ગયા હતા. જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડીયમમાં રહેતા ગૌરીબેન ગોવિંદભાઇ મેવાડા અલકાપુરીમાં ડોક્ટર શીતલ વૈદ્યની ત્યાં સુંદરમ હોસ્પિટલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઇકાલે મારી દીકરી રૃપા મને મોપેડ પર બપોરે પોણા બે વાગ્યે નોકરી પર મૂકી ગઇ હતી. હું આખો દિવસ હોસ્પિટલ પર રોકાઇને એકાઉન્ટનું કામ કરતી હતી. હોસ્પિટલની મેડિસિનની રકમ ૬૨ હજાર ભેગી થઇ હતી. તેમાંથી 40 હજાર રોકડા મેડિકલ સ્ટોરના માલિકને અને બાકીના રૃપિયા ડોક્ટરને આપવાના હતા. ડોક્ટર સાહેબ વહેલા નીકળી ગયા હતા. જ્યારે મેડિકલ સ્ટોરના માલિક રાજેશભાઇને પણ બહાર જવાનું હોવાથી તેઓને રૃપિયા આપી શકી નહતી.
૬૨ હજાર રોકડા મારા પર્સમાં મૂકી બેગ ખભે લટકાવીને રાતે પોણા દશ વાગ્યે મારી દીકરીના મોપેડ પર બેસીને પરત ઘરે આવવા નીકળી હતી. અમે ચકલી સર્કલ થઇ મલહાર ચોકડી પાસે આવ્યા હતા. મલહાર ચોકડી પાસે જગદીશ ફરસાણ પરથી નાસ્તો લીધો અમે ઘર તરફ જતા હતા. અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી પાદરા તરફ જતા રોડ પરથી અમે પસાર થતા હતા. તે સમયે બાલાજી સ્કાયરાઇઝ બિલ્ડિંગથી થોડે આગળ અમારી પાછળ બાઇક પર ત્રણ સવારી આરોપીઓ આવ્યા હતા. તેઓ મારી બેગ છીનવી ભાગી ગયા હતા. અમે બૂમાબૂમ કરી તેઓનો પીછો કર્યો હતો. પરંતુ, આરોપીઓ ભાગી ગયા હતા. પર્સમાં ઘર, મોપેડ અને કારની ચાવીઓ, મોબાઇલ ફોન, તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ અને એ.ટી.એમ. કાર્ડ હતા.