બે દિવસ પહેલા ગૂમ થયેલા 20 વર્ષના શ્રમજીવી યુવકની લાશ મહીસાગર નદીના કિનારેથી મળી આવી હતી. આપઘાતની આશંકા સાથે નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેલા ગામે રહેતા સંતોષગીરી ગોસ્વામી છૂટક મજૂરી કામ કરે છે. તેમનો પુત્ર મહેન્દ્રગીરી ( ઉં.વ.20) ઘર છોડીને જતો રહેતા તેઓ પુત્રને શોધવા નીકળ્યા હતા. મહીસાગર નદીના કિનારે તેમણે તરવૈયાઓની પૂછપરછ કરી પોતાનો મોબાઇલ નંબર આપીને એવું કહીને ગયા હતા કે, કદાચ આવો કોઇ યુવક આવે તો જાણ કરજો. દરમિયાન આજે સવારે તેની લાશ મહીસાગર નદીના બ્રિજ નીચેથી મળી આવતા સ્થાનિક રહીશે પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનનના હે.કો. નરસિંહભાઇએ સ્થળ પર જઇને તપાસ કરી હતી. નદી કિનારે મળેલા તરવૈયાઓએ પોલીસને એક દિવસ પહેલાની ઘટનાની જાણ કરતા પોલીસે સંતોષગીરીને મોબાઇલ પર ફોટો મોકલ્યો હતો. મૃતદેહ પોતાના પુત્રનો જ હોવાનું તેમણે જણાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહેન્દ્રગીરીએ આપઘાત કર્યો હોવાનું જણાઇ આવ્યું છે.