Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બદામડી બાગ ખાતે નવી આર્ટ ગેલેરી અને બકરાવાડી વિસ્તારમાં દીપક ઓપન એર થિયેટર ખાતે નવું અતિથિગૃહ બનાવ્યું છે. આ બંને હવે લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આર્ટ ગેલેરીનું કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ તેમજ સયાજીરાવ નગર ગૃહની ઓફિસે ઓફલાઈન બુકિંગ ચાલુ કરાયું છે. દીપક ઓપન થિયેટરનું પણ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. આર્ટ ગેલેરીના ધંધાકીય અને બિન ધંધાકીય ઉપયોગ માટે ભાડું અને લાગત પણ નક્કી કરવામાં આવી છે.
તાજેતરમાં સ્ટેન્ડિંગ સમિતિએ તેને મંજૂરી આપી હતી. બદામડીબાગ ખાતેની વર્ષો અગાઉ બનેલી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી વર્ષ 2018 માં તોડી પાડીને નવી બનાવવામાં આવી છે.આ આર્ટ ગેલેરીની સાથે સાથે નીચે ફાયર બ્રિગેડ સ્ટેશન પણ બનાવાયું છે. જેનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા શહેરના મદનઝાપા રોડ, બકરાવાડી વિસ્તારમાં દિપક એર થિયેટરની જગ્યાએ અતિથિ ગૃહ બનાવવામાં આવ્યું છે. જેનું પણ તાજેતરમાં લોકાર્પણ કરાયું હતું. લોકો હવે અહીં પોતાના શુભ અને સામાજિક પ્રસંગો ઉજવી શકશે. કોર્પોરેશન દ્વારા અગાઉ અહીં દીપક ઓપન થિયેટર આશરે સાડા પાંચ કરોડના ખર્ચે બનાવ્યા બાદ પડ્યું રહેતા અને તેનો કોઈ ઉપયોગ નહીં થતાં છેવટે અહીં અતિથિ ગૃહ બનાવાયું છે. આ વિસ્તારમાં અહીં બીજું કોઈ અતિથિ ગૃહ નહીં હોવાથી લોકો માંગ કરી રહ્યા હતા. લોકોને પોતાના માંગલિક પ્રસંગો ઉજવવા માટે બીજા વિસ્તારમાં દોડવું પડતું હતું.