Vadodara : ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પર 800 જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે આજે વડોદરા ખાતે સરકારી વીજ કંપનીઓના હેડક્વાર્ટરની બહાર રાજ્યભરના ઉમેદવારોએ ધરણા કર્યા હતા.
ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવી હતી. પરીક્ષા માટે 5500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા અને તેની ચકાસણીની કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી. એ પછી જેટકોએ પરીક્ષા લેવાનું માડી વાળ્યું હતું. આ બાબતે અમે તે સમયે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે લીલી ઝંડી આપ્યા બાદ પણ જીસેકના અધિકારીઓ પરીક્ષા લેવા માટે તૈયાર નથી. કારણકે હેલ્પરોની મોટાભાગની કામગીરી આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરીક્ષા માટે અમે 15 દિવસ પહેલા પણ વડોદરા ખાતે જીસેકના હેડક્વાર્ટરમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. જોકે તે સમયે અમને અંદર પણ નહોતા જવા દેવાયા. ભરતી બાબતે અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા અને તેા કારણે આજે અમને ધરણા પર ઉતરવાની ફરજ પડી છે. જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પરથી ઉઠવાના નથી.
ઉલ્લેખનીય છે કે, જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી. જેના કારણે નોકરીની આશાએ જીસેકમાં એપ્રેન્ટિસશિપ કરનારા હજારો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.