વડોદરા,સમા સાવલી રોડ પર મોડીરાતે પૂરઝડપે આવતી કારે એક બાઇક સવારને ટક્કર મારી હતી. નશેબાજ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ખુલ્લા મેદાનમાં બાંધેલા ઝૂંપડામાં ઘુસી ગઇ હતી. અકસ્માત કરીને કારનો ચાલક કાર છોડીને ભાગી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પરિવારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કારેલીબાગ મુક્તાનંદ પાસે કલ્યાણ નગર સોસાયટીમાં રહેતો હાર્દિક વસંતભાઇ પટેલ મંજુસર જી.આઇ.ડી.સી. ખાતે આવેલ હાઇ માઇલ મોલ્ડ પ્રા.લિ.માં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાતે હાર્દિક અને તેનો મિત્ર લલિત મનુભાઇ દેવડા મંજુસર જી.આઇ.ડી.સી. થી રાતે સવા બાર વાગ્યે બાઇક લઇને ઘરે આવવા નીકળ્યા હતા. હાર્દિક બાઇક ચલાવતો હતો.સમા – સાવલી રોડ શિવાલિક ફાર્મ ત્રણ રસ્તા નજીક કટ પાસે એક સફેદ કલરની કાર સમા કેનાલ તરફથી દુમાડ તરફ પૂરઝડપે આવતી હતી. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો હવામાં ફંગોળાઇને નજીકમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અથડાયા હતા. કોઇ રાહદરીએ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ આવતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. હાર્દિકને જમણા અને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી. તેના મિત્રને ઘુંટણના નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત કર્યા પછી અંદાજે ૩૦ મીટર દૂર રોડની બાજુમાં ખુલ્લા મેદાનમાં ઝૂંપડા બાંધીને રહેતા શ્રમજીવી પરિવારના ઝૂંપડા પર ડ્રાઇવરે કાર ચઢાવી દીધી હતી. અકસ્માત કર્યા પછી ચાલક કાર સ્થળ પર છોડીને ફરાર થઇ ગયો હતો. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ શરૃ કરી હતી. દરમિયાન કાર ચાલક કપિલદેવ નિલકંઠભાઇ બ્રહ્મભટ્ટ (રહે. અરૃણ્યા સ્ક્રિન, વેમાલી) ને પણ ઇજા થઇ હોવાથી તે હોસ્પિટલમાં સારવાર લેવા ગયો હતો.હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સમા પોલીસે તેને ઝડપી લીધો હતો. કાર ચાલકે નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
ઇજાગ્રસ્ત શ્રમજીવી પરિવારને સયાજીમાં સારવાર માટે લવાયો
વડોદરા,મોડીરાતે સમા – સાવલી રોડ પર થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં(૧) બાબુભાઇ રમણભાઇ ડોડિયાર (ઉં.વ.૨૦) (૨) હંસાબેન બાબુભાઇ ડોડિયાર (ઉં.વ.૨૧) (૩) ૩ વર્ષનો બાળક (૪) ધર્મેશ ધાનુભાઇ મુનિયા (ઉં.વ.૨૪) અને (૫) ૧૬ વર્ષની કિશોરી ને ઇજાઓ થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બે મિત્રોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નશેબાજ કાર ચાલક આબુમાં હોટલ ચલાવે છે
પરિવાર માટે જમવાનું લેવા માટે રાતે કાર લઇને નીકળ્યો હતો
વડોદરા,પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કપિલ દેવ બ્રહ્મભટ્ટની આબુમાં હોટલ છે. તેના સંતાનો વડોદરામાં અભ્યાસ કરે છે.પાંચ દિવસ પહેલા જ તે વડોદરા આવ્યો હતો. ગઇકાલે રાતે પરિવાર માટે જમવાનું લેવા માટે તે નીકળ્યો હતો. ઘરેથી નીકળ્યા પછી સંતાનોએ ફોન કરીને કહ્યું કે, પપ્પા તમે પાછા આવી જાવ. આપણે ઓનલાઇન જમવાનું મંગાવી લઇશું. જેથી, તે ટર્ન લઇને પરત આવતો હતો. તે સમયે અકસ્માત થયો હતો. અકસ્માત પછી ભેગા થયેલા ટોળાએ તેને મેથીપાક ચખાડયો હોવાનું જાણવા મળ્યંું છે.