ટ્રેનના ગઠિયાએ રોકડ કાઢી પર્સને કોચના શૌચાલયમાં મૂકી દીધું
Updated: Dec 31st, 2023
વડોદરા, તા.31 જોધપુરથી સુરત તરફ જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતાં સુરતના દંપતીએ રૃા.૨.૬૫ લાખ રોકડા મૂકેલું પર્સ ગુમાવ્યું હતું. એસી કોચમાં ફરતા ગઠિયાએ પર્સમાંથી રોકડ કાઢી લઇ પર્સ શૌચાલયમાં છોડી દીધું હતું.
આ અંગેની વિગત એવી છે કે સુરતમાં વીઆઇપીરોડ પર આશિર્વાદ એવન્યૂ ખાતે રહેતાં રાજીવ મહેશભાઇ ગુપ્તા તેમના પરિવાર સાથે જોધપુર ખાતે સામાજિક પ્રસંગ માટે ગયા હતાં. જોધપુરથી ગઇકાલે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી તેઓ પરત સુરત જતા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી ગુપ્તા પરિવારના સભ્યો ઊંઘી ગયા હતાં. વહેલી સવારે સાડા પાંચ વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવી ત્યારે રાજીવભાઇની પત્નીનું બ્લ્યૂ કલરનું પર્સ જણાયું ન હતું.
એસી કોચમાં પર્સની શોધખોળ દરમિયાન શૌચાલયમાંથી ખાલી પર્સ મળ્યું હતું. આ પર્સમાં મૂકેલ રૃા.૨.૫ લાખ તેમજ અંદર મૂકેલ બીજા મની પર્સમાંથી રૃા.૧૫ હજાર મળી કુલ રૃા.૨.૬૫ લાખ રોકડ ગાયબ હતાં. ચોરીની આ ઘટના અંગે વડોદરા રેલવે પોલીસ સ્ટશનમાં ગુનો દાખલ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.