વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સુરક્ષાની સ્થિતિ સાવ કથળી ચૂકી છે.એક તરફ યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અપૂરતા છે તો બીજી તરફ મુખ્ય કેમ્પસમાં મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી કેમ્પસમાં ૨૦૦ થી વધારે સીસીટીવી કેમેરા લાગેલા છે.આ પૈકીના મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે.કેમેરા ચાલુ કરવા માટે સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.યુનિવર્સિટી કેમ્પસમાં માત્ર વીસી અને રજિસ્ટ્રારની ઓફિસો જ સુરક્ષિત છે તેવું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે.હેડ ઓફિસમાં લાગેલા ૧૫ કેમેરા ચાલુ રહે તેના પર સતત ધ્યાન આપવામાં આવે છે અને મુખ્ય કેમ્પસના સીસીટીવી નેટવર્કને ભગવાન ભરોસે છોડી દેવાયું છે.
દરમિયાન યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસરે રજિસ્ટ્રારને પત્ર લખીને રજૂઆત કરી છે કે, બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે.સિક્યુરિટી ઓફિસર એસ કે વાળાએ કહ્યું હતું કે, કેમેરા ચાલુ રહે તે જોવાની જવાબદારી જે તે ફેકલ્ટીના ડીનોની છે.સુરક્ષાની દ્રષ્ટિએ કેમેરા ચાલુ રહે તે બહુ મહત્વની બાબત છે અને એટલા માટે જ રજિસ્ટ્રારને મારે રજૂઆત કરવી પડી છે.એક મહિના પહેલા સાયન્સ ફેકલ્ટીના એક અધ્યાપકનું ટુ વ્હીલર ચોરાઈ ગયું હતું.તેમણે જ્યાં વાહન પાર્ક કર્યું હતું તેની સામે જ સીસીટીવી કેમેરા હતો અને જ્યારે વ્હીકલ ચોરનારાની તપાસ કરવા ફૂટેજ ચેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી હતી કે, કેમેરા બંધ છે.આ જ રીતે અછોડો તોડીને ભાગેલો વ્યક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ્યો છે કે નહીં તેની તપાસ માટે પોલીસને પણ સીસીટીવી ફૂટેજની જરુર પડી હતી પણ જે વિસ્તારમાંથી અછોડો તોડનાર પ્રવેશ્યો હોવાની આશંકા હતી ત્યાંના કેમેરા બંધ હોવાથી ફૂટેજ મળી શક્યા નહોતા.