વડોદરા,ફતેપુરા ભાંડવાડા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ નજીક રસોઇ બનાવવાના મુદ્દે ઘર્ષણ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો હતો. બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતા કોઇ ફરિયાદ નોંધાઇ નથી.
મળતી માહિતી મુજબ, ફતેપુરા ભાંડવાડા વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળ નજીક લઘુમતી કોમના પરિવારના લગ્ન પ્રસંગે રસોઇ બનાવવામાં આવી હતી. રસોઇના વાસણો મંદિરની દીવાલ પાસે મૂકવામાં આવતા હોબાળો થયો હતો. બંને કોમના લોકો આમને સામને આવી ગયા હતા. જેના પગલે વિસ્તારમાં તંગદિલી સર્જાઇ હતી. બનાવની જાણ પોલીસને થતા કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમજાવટથી આખરે મામલો થાળે પડયો હતો. જેના કારણે કોઇ ફરિયાદ દાખલ થઇ નહતી.