Updated: Dec 9th, 2023
– કેટલાકે વાયર પર લંગરીયા નાખી, કેટલાક આજુબાજુથી ગેરકાયદે વીજ કનેક્શન મેળવી વેપાર ધંધો કરતા હોવાની આશંકા
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા શહેરમાં ચારે બાજુએ બિલાડીના ટોપની જેમ ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે દાંડિયા બજાર અકોટા બ્રિજથી તાજ વિવેન્ટા હોટલ સુધી રોડની બંને બાજુએ ફૂટપાથ પર ગેરકાયદે લારી ગલ્લા પથારા અને શેડ ઠેક ઠેકાણે બાંધીને ફેબ્રિકેશન સહિત ખાણીપીણીની લારીઓ પર પાલિકાનું બુલડોઝર ગઈ મોડી રાત્રે ફરી વળ્યું હતું પાલિકાની કામગીરી દરમિયાન વિસ્તારમાં ગભરાટભરી દોડધામ મચી હતી. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી માહોલ શાંત રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બિલાડીના ટોપની જેમ પ્રત્યેક રોડ રસ્તા સહિત ગલી કુચીમા ઠેર ઠેર કાચા પાકા ગેરકાયદે દબાણો બનાવીને લોકો પોત પોતાના વેપાર ધંધા બિન્દાસથી કરી રહ્યા છે. જગ્યાનું કોઈ ભાડું નહીં, થાંભલેથી લંગર્યું નાખીને ગેરકાયદે વીજ કનેક્શન, ઉપરાંત આજુબાજુમાં ચા પાણી અને ખાણીપીણીની લારીઓ હોવાથી ગેરકાયદે જગ્યામાં ચાલતા વેપાર ધંધામાં પૂરેપૂરો નફો. ક્યારેક કોઈક પાલિકા ટીમ દબાણ હટાવવા આવે ત્યારે યેનકેન સમજાવીને તેમને પાછા કાઢવા જેવી રીત રસમો અપનાવીને ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરના કરનારા ફુલ્યા ફાલ્યા છે. કોઈપણ વેપાર ધંધા માટે લારી ગલ્લા પથારાવાળાઓ સામે અવારનવાર પાલિકા તંત્ર લાલ આંખ કરે છે પરંતુ સૌ કોઈ ગેરકાયદે દબાણ કરનારા જાણે છે કે પાલિકા તંત્રની દબાણ શાખા કાયમી ધોરણે કંઈ ચેકિંગ રાખી શકે તેમ નથી એટલો શહેરનો વિસ્તાર વ્યાપ વધી ગયો છે.
દરમિયાન દાંડિયા બજાર અકોટા બ્રિજથી પશ્ચિમ વિસ્તારમાં હોટલ તાજ વિવાન્ટા સહિતના વિસ્તારમાં રોડની બંને બાજુએ ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે. આ વિસ્તારમાં મોટેભાગે ફેબ્રિકેશનના વેપાર ધંધા માટે ગેરકાયદે લારી ગલ્લા શેડ સહિત ખાણીપીણીની અનેક લારીઓ ખડકાઈ ગઈ હતી. પરંતુ આ અંગેની ફરિયાદો વારંવાર પાલિકા તંત્રને મળી હતી. કેટલાય ફેબ્રિકેશનના ગેરકાયદે શેડ લારી રાખીને વેપાર ધંધો કરનારાઓ પૈકીના કેટલાકે લંગરીયા નાખીને ગેરકાયદે વીજ કનેક્શનો પણ મેળવ્યાની શક્યતા હોય કે પછી આજુબાજુમાંથી પણ ગેરકાયદે વીજ કનેક્શન મેળવીને વેપાર ધંધા કરતા હોવાનું કહેવાય છે.
દરમિયાન ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક પોલીસ કર્મીઓના કાફલાને સાથે રાખીને પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી. દરમિયાન દબાણ શાખાએ ગેરકાયદે દબાણોનો સફાયો કરીને બે થી ત્રણ ટ્રક જેટલો માલ સામાન સહિત અન્ય લારી ગ્લલા મળી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.