વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલી કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટસ એટલે કે સીએમએની ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.
ઈન્ટરની પરીક્ષામાં વડોદરાના બે વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦ વિદ્યાર્થીઓમાં સ્થાન મળ્યું છે.જેમાં અલેફિયા અલીઅસગર વ્હોરાનો ઓલ ઈન્ડિયા ૩૪ અને અનિરુધ્ધ સિંઘનો ઓલ ઈન્ડિયા ૪૧ રેન્ક આવ્યો છે.વડોદરામાંથી સીએમએ ઈન્ટરના પહેલા ગુ્રપની પરીક્ષા આપનારા ૨૬૦માંથી ૪૪, બીજા ગુ્રપની પરીક્ષા આપનારા ૧૦૬માંથી ૧૯ અને બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૧૨૯માંથી ૨૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે.૫૦ વિદ્યાર્થીઓએ સીએમએ ઈન્ટરનો અભ્યાસ પુરો કર્યો છે.
જ્યારે સીએમએ ફાઈનલમાં ગુ્રપ ત્રણની પરીક્ષા આપનારા ૯૮ પૈકીના ૧૧ અને ગુ્રપ ચારની પરીક્ષા આપનારા ૫૯માંથી ૨૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૨૬માંથી ૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે.સીએમએ વડોદરા ચેપ્ટરના ચેરમેન પ્રિયાંક વ્યાસના કહેવા પ્રમાણે વડોદરામાંથી ૧૬ વિદ્યાર્થીઓને સીએમએની ડિગ્રી મળી છે.
સીએમની સાથે સીએની પણ તૈયારી
હું સીએમએની સાથે સાથે સીએ ફાઈનલ માટે પણ હવે તૈયારી કરી રહ્યો છું.સીએમએ ઈન્ટરની જેમ સીએ ઈન્ટર પરીક્ષા પણ પાસ કરી લીધી છે.બંને ડિગ્રી મારે મેળવવી છે.અભ્યાસમાં સફળતા માટે સ્વયં શિસ્ત અને સાતત્ય બહું જરુરી છે.પિતા પણ સીએમએ છે અને તેમને જોઈને જ અભ્યાસ કરવાની પ્રેરણા મળી છે.
અનિરુધ્ધ સિંઘ, સીએમએ ઈન્ટર ઓલ ઈન્ડિયા રેન્ક ૪૧, ૫૪૨ માર્કસ
સોશિયલ મીડિયા એપ ડિલિટ કરી નાંખી હતી
મોબાઈલમાંથી તમામ સોશ્યલ મીડિયા એપ ડિલિટ કરી નાખી હતી.શિક્ષકની સલાહ પ્રમાણે બંને ગુ્રપની પરીક્ષા સાથે આપી હતી.સાથે સાથે નિયમિત રીતે ટેસ્ટ આપીને પરીક્ષાની પ્રેક્ટિસ કરતી હતી.પિતા એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રોફેસર હોવાથી તેમની પણ મદદ મળતી હતી.સીએમએ ફાઉન્ડેશનમાં પણ શહેરમાં મારો પહેલો ક્રમ હતો અને હવે ઈન્ટર પરીક્ષામાં પણ પહેલું સ્થાન મળ્યું છે.આશા છે કે, ફાઈનલ પરીક્ષામાં પણ પહેલો ક્રમ આવશે.
અલેફિયા અલીઅસગર વહોરા, સીએમએ ઈન્ટર ઓલ ઈન્ડિયા રેન્ક ૩૪, ૫૫૧ માર્કસ
સીએમએ બાદ હવે એમબીએની ડિગ્રી મેળવવાનું લક્ષ્ય છે
બીકોમની સાથે જ સીએમએનો અભ્યાસ શરુ કરી દીધો હતો.કોર્પોરેટ સેકટરમાં નોકરીનો થોડો અનુભવ મળે તે પછી એમબીએનો અભ્યાસ કરવાની ઈચ્છા છે.રોજ ૧૦ થી ૧૨ કલાકનો અભ્યાસ કરતો હતો.ઓનલાઈન લેકચરની મદદ લીધી હતી.કારણકે ઓનલાઈન લેકચર દિવસમાં ગમે તે સમયે એટેન્ડ કરી શકાય છે.મારા પિતા બિઝનેસમેન છે.
પઠાણ ઉઝૈરખાન ફિરોઝખાન, સીએમએ ફાઈનલમાં વડોદરામાં બીજો, ૪૫૦ માર્કસ
બે ગુ્રપની પરીક્ષા આપવા રોજ ૧૦ કલાકનો અભ્યાસ જરુરી
એક સાથે બે ગુ્રપની પરીક્ષા આપવી હોય તો દિવસમાં ૧૦ કલાક મહેનત કરવાની અને મિત્રો તેમજ પરિવાર સાથે સમય પસાર કરવાની તેમજ તહેવારો માણવાની મજાનો ભોગ આપવાની તૈયારી રાખવી પડે.બીકોમની સાથે જ સીએમએ કરતી હતી.હવે નોકરી કરવાની ઈચ્છા છે.
પ્રથા વિનોદ મકવાણા, સીએમએ ફાઈનલમાં શહેરમાં પ્રથમ, ૪૬૭ માર્કસ