Winter Season Vadodara : ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુ ચક્રમાં ફેરફાર થવાથી સમયાંતરે ઋતુઓમાં ફેરફાર થતો હોવાથી કારતક મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનો અહેસાસ થવો શરૂ થયો છે. વાતાવરણમાં સવારથી ઓછામાં ઓછાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા અને પવનની ગતિ પ્રતિ કલાક 4 કી.મી. રહી છે, ત્યારે આજે સવારથી ઠંડીનો ચમકારાનો અહેસાસ શરૂ થયો છે. આગામી દિવસોમાં હવે દિનપ્રતિદિન તાપમાનનો પારો સતત ગગડવાથી ઠંડીમાં વધારો થઈ શકે છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સવારે ઓછામાં ઓછું તાપમાન 14.16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 4 કિમીની રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઓછામાં ઓછું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું. જેમાં આજે 3 ડિગ્રી સેલ્સિયસ જેવો એકાએક ઘટાડો નોંધાયો હતો. પરિણામે હવે શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે સવારથી પવનની ગતિ પ્રતિ કલાક ચાર કિલોમીટરની રહેતા ઠંડીના પ્રમાણમાં પવનની ગતિનો પણ ફાળો રહ્યો હતો.