Vadodara : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગુરુવારની મોડી રાત્રે આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે બનેલી ગોઝારી ઘટનાને લઈને કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું. આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી. નશાની હાલતમાં બેફામ કાર ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. બેફામ વાહન ચાલકોના કારણે અવારનવાર થતાં અકસ્માતને લઈને આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો, અને આવા લાકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત માતા અને બે બાળકોને સયાજી હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.