Vadodara BJP : વડોદરા શહેર ભાજપનું સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ચાલતી જૂથબંધી અવારનવાર જાહેરમાં આવે છે. સંગઠન સર્વોપરી હોવાનો દાવો કરે છે તે રીતે નવા ભાજપના નમો કમલમ કાર્યાલયના તકતી અનાવરણ કાર્યક્રમમાં ફરી એકવાર સંગઠન સર્વોપરી હોવાનું પ્રતિપાદિત કર્યું છે. આમંત્રણ પત્રિકામાં વડોદરાના પ્રથમ નાગરિકનું નામ જ છેલ્લે અન્ય પદાધિકારીઓની સાથે લખી દેવામાં આવ્યું છે તેમજ પૂર્વ મહામંત્રીમાં બે આગેવાનના નામ લખ્યા છે જ્યારે પૂર્વ પ્રમુખો કે અન્ય પ્રદેશ મહામંત્રીઓના નામોની બાદબાકી કરી દેવામાં આવી છે જેથી ફરી એકવાર ભાજપમાં ભાંજગડ સર્જાઈ છે.
વડોદરા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે ધારાસભ્ય હોય તેઓ વચ્ચે સંકલનના અભાવને કારણે અવારનવાર વિવાદો ચાલતા રહ્યા છે. ભૂતકાળમાં કેટલાક મુદ્દા પર હોર્ડિંગ લગાવી સંગઠન સર્વોપરી હોવાનો દાવો પણ જાહેર કરવામાં આવ્યો હતો તેની સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોર્પોરેશનમાં કેટલાક કામોને મંજૂરી અપાવી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વોપરી છે તેવા પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના વિકાસના કામો અંગે પણ અવારનવાર વિવાદો થતા રહ્યા છે જેથી સંગઠન સાથેના ગ્રુપમાં હોય તેવા કોર્પોરેશનના પદાધિકારી વચ્ચે પણ વિવાદો સર્જાતા રહે છે. જેની અસર સીધા વિકાસના કામો પર પડી રહી છે.
વડોદરા શહેરના ભાજપના નવા કાર્યાલય નમો કમલમ ખાતે વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં પણ ગણતરીના આગેવાનોને હાજર રાખી કાર્યક્રમ યોજવામાં આવ્યો તેને કારણે પણ વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં અધૂરા બાંધકામનું વાસ્તુપૂજન અને હવે તક્તિ અનાવરણ કાર્યક્રમ તારીખ 22 મીના રોજ મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી પ્રદેશ પ્રમુખની હાજરીમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સંગઠન સર્વોપરી હોય તે રીતે નિમંત્રક તરીકે ભાજપ પ્રમુખ તેમની કારોબારીની ટીમની યાદી અને વોર્ડ પ્રમુખો મહામંત્રીઓની યાદી તેની સામે ધારાસભ્યો અને પૂર્વ ત્રણ ધારાસભ્ય અને બે પૂર્વ મહામંત્રીના નામ લખવામાં આવ્યા છે. ત્યારબાદ શિક્ષણ સમિતિના સભ્યોની સાથે વડોદરા કોર્પોરેશનના પાંચ પદાધિકારીના નામ સાથે મેયરનું નામ લખી દેવામાં આવ્યું છે. અને છેલ્લે કોર્પોરેટરો અને ભાજપના વિવિધ મોરચાના પ્રમુખોના નામ લખવામાં આવ્યા છે જેથી વિવાદ સર્જાયો છે.
ભાજપનો કાર્યક્રમ હોય કે કોર્પોરેશનનો કે પછી સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ પ્રમાણે વડોદરાના પ્રથમ નાગરિક હોય તેનું નામ સરકારના પ્રતિનિધિ પછી તરત જ લખવામાં આવતું હોય છે પરંતુ આ વખતે મેયરનું નામ છેલ્લે અન્ય પદાધિકારીઓ સાથે લખી દેવામાં આવ્યું છે સાથે સાથે પૂર્વ ત્રણ ધારાસભ્ય અને એક પૂર્વ પ્રદેશ મહામંત્રી અને એક પૂર્વ શેરમંત્રીનું નામ જ લખવામાં આવ્યું છે જ્યારે અન્ય પૂર્વ પ્રદેશ મહામંત્રી કે ભાજપના કોઈપણ પૂર્વ પ્રમુખનું નામ લખવામાં આવ્યું નથી. જેથી ફરી એકવાર શહેર ભાજપ પ્રમુખે સંગઠન સર્વો ભરી હોવાનું પ્રસ્થાપિત કર્યું છે જેથી ભાજપમાં ભાંજગડ વધી છે.