વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અને ડિપાર્ટમેન્ટમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે ટેમ્પરરી અધ્યાપકોની નિમણૂકમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને સિલેક્શન કમિટી ઉપર દબાણ લાવીને નિમણૂક પ્રક્રિયા પ્રભાવિત કરવામાં આવી છે. મેરિટ પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાના બદલે ઓછી લાયકાત ધરાવતા મળતીયાઓની નિમણૂક કરાઇ હોવાના ગંભીર આક્ષેપો સાથેનો પત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રો. સતીશ પાઠકે મુખ્યમંત્રીને લખ્યો છે. આક્ષેપ એવો પણ છે કે ટેમ્પરરી અધ્યાપકોની નિમણૂકમાં નાણાકીય ગેરરીતિ થઇ હોવાની પણ પુરી શંકા છે.
સત્તાધીશોએ એ હદે માનસિક ત્રાસ ગુજાર્યો કે રાજમાતાએ હસ્તક્ષેપ કરવો પડયો
ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસમાં એક મહિલા ઉમેદવાર તેના નબળા દેખાવના કારણે પસંદગી સમિતિએ રિજેક્ટ કર્યા હતા પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોએ તે મહિલા ઉમેદવારને જ પસંદ કરવા એટલુ દબાણ કર્યુ કે પસંદગી સમિતિના એક સભ્યએ નોકરી છોડી દેવી પડે તેવી સ્થિતિ આવી હતી. છેલ્લે યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડે હસ્તક્ષેપ કરતા પસંદગી સમિતિના સભ્યને રાજીનામુ આપવાની ફરજ પડી નહતી.
પસંદગી પામેલા પાંચ ઉમેદવારોને હટાવીને મળતીયાને નિમણૂક અપાઇ
ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં પાંચ ટેમ્પરરી અધ્યાપકોની પસંદગી કરવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટી સત્તાધીશે તમામ પાંચ ઉમેદવારોની પસંદગી રદ્ કરવા દબાણ કર્યુ હતું અને મળતીયાઓની નિમણૂક કરવા માટે લિસ્ટ આપ્યુ હતું જેનો પસંદગી સમિતિએ સ્વિકાર નહી કરતા માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અંતે ફેકલ્ટીમાં છેલ્લા પાંચ મહિનાથી વગર પગારે કામ કરતા પાંચ ઉમેદવારોને ઘરે બેસવાનો વારો આવ્યો છે.
લાયક હોવા છતાં પસંદગી નહી થતા ઉમેદવાર હાઇકોર્ટમાં પહોંચ્યા
કોમર્સ ફેકલ્ટીમાં એક લાયક ઉમેદવારને કોઇ પણ ભોગે પસંદ નહી કરવા માટે સત્તાધીશો દ્વારા પસંદગી સમિતિ ઉપર દબાણ કરાયુ હતું એટલે લાયક ઉમેદવારની પસંદગી નહી થતા તે ઉમેદવારે આ મામલે મુખ્યમંત્રીને લેખીત ફરિયાદ કરી છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં પણ એક લાયક મહિલા ઉમેદવારની પસંદગી નહી કરવા માટે સત્તાધીશ દ્વારા ભારે દબાણ કરાયુ હતુ આ મહિલા ઉમેદવારની પસંદગી નહી થતાં તેમણે આ મામલે હાઇકોર્ટમા ંફરિયાદ કરી છે.
લાયકાત વગરનાઓને નિમણૂક આપવા પાંચ વર્ષથી ફરજ બજાવતા અધ્યાપકોને હટાવાયા
ફેકલ્ટી ઓફ આર્ટસમાં પણ છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ટેમ્પરરી અધ્યાપકો ઉચ્ચ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને હટાવીને તેમના સ્થાને સત્તાધીશોના માનીતા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એટલુ જ નહી એક મહિલા ઉમેદવાર ટેમ્પરરી અધ્યાપકની પોસ્ટ માટે લાયક નહી હોવા છતા પસંદગી સમિતિએ સૌથી વધુ ગુણ આપીને તેને એપોઇન્ટમેન્ટ પણ આપી દીધી છે. આર્ટસના જ અન્ય એક વિભાગમાં પસંદગી સમિતિએ પસંદ કરેલા પાંચ ઉમેદવારોમાં આગળના ચાર ઉમેદવારોને બાયપાસ કરીને પાંચમા નંબરના મહિલા ઉમેદવારની પસંદગી કરાઇ છે. તો એક વિભાગમાં તો પસંદગી સમિતિની યાદીમાં ૧૦માં ક્રમના ઉમેદવારની પસંદગી એટલા માટે કરવામા આવી કે સત્તાધીશોનુ દબાણ હતું.