Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરએ અધિકારીઓ સાથે રાખેલી સમીક્ષા બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રિમોન્સૂનની કામગીરીની સાથે સાથે શહેરમાં ધાર્મિક દબાણો સંદર્ભે પણ ચર્ચા કરી હતી. આ અગાઉ હાઇકોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ શહેરમાં ધાર્મિક દબાણો સંદર્ભે પ્રાથમિક તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને ટ્રસ્ટીઓ સાથે થોડા સમય અગાઉ બેઠક થઈ હતી. જેમાં તેઓને જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા કહ્યું હતું. ઘણાએ ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે, અને હજી આવી રહ્યા છે. આ તમામની ચકાસણી કરવામાં આવશે. જો ધાર્મિક બાંધકામ ખાનગી માલિકીની જમીનમાં હશે તો ધાર્મિક દબાણની કેટેગરી માંથી નીકળી જશે. એ પછી ફરી ધાર્મિક સંસ્થાઓના વડા અને ધર્મગુરુઓ સાથે બેઠક થશે. કોર્પોરેશન સ્તરે પણ અધિકારી સાથે સમીક્ષા બેઠક કરવામાં આવશે. ધાર્મિક દબાણ અંગે બાંધકામ નાનું મોટું કરવું એટલે કે રિ-સાઈઝ કરવું, નજીકમાં ખસી શકે તેમ હોય તો રીલોકેટ કરવું એ બધા પાસાનો વિચાર કરાશે. કોર્પોરેશનમાં અધિકારીઓને પણ ધાર્મિક દબાણ અંગે સંબંધિતોને સમજાવવા કહ્યું છે. જો ટ્રાફિકને અવરોધક હોય અને તેના લીધે અકસ્માત થાય તેમ હોય તો એટલે કે જવલ્લે જ નોટિસ આપીને તેને દૂર કરાશે. એક અંદાજ મુજબ 300 થી વધુ ધાર્મિક દબાણો છે, પણ પુરાવા તપાસ્યા બાદ સાચો આંકડો જાણી શકાશે.