દાહોદ તા.૧૯ દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ રૃરલ પોલીસ મથકે વધુ આઠ મિલકત ધારકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે. બનાવટી દસ્તાવેજોના આધારે સરકારના પ્રીમિયમ ચોરીના આ જમીન કૌભાંડમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા બાકી બચેલા ૮૫ પૈકી ૭૬ જેટલા સર્વે નંબરોમાં ચાલી રહેલી તપાસોના ધમધમાટ વચ્ચે આજે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.
દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર બોગસ બિનખેતી પ્રકરણમાં બિનખેતી તેમજ ૭૩ એએ માં મુક્તિ મેળવવા સરકારમાં ભરવાપાત્ર થતી રકમની ચોરી કરી સરકાર જોડે છેતરપિંડીના કેસમાં તાલુકા પંચાયત કચેરીના શંકાસ્પદ ૧૯૭ સર્વે નંબરોમાંથી અગાઉ ૧૧૨ સર્વે નંબરોમાં ફરિયાદ દાખલ થયેલ છે. જેમાં ૧૨૫ કરતાં વધુ લોકો સામે નામ જોગ ગુનો નોંધી ધરપકડો પણ કરવામાં આવી હતી.