Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેન્કર માંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ ઝડપી પાડ્યું હતું. જેમાં સિક્યુરિટી અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારીની સંડોવણી બહાર આવતા બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વ્હિકલ પુલ વિભાગમાંથી અદ્યતન સાધનો વડે કામગીરી થતી હોય છે તેના માટે વર્ષોથી પેટ્રોલ અને ડીઝલ પંપ ચલાવવામાં આવે છે. કોર્પોરેશન સંચાલિત વિવિધ વાહનોમાં વ્હિકલ પૂલમાંથી પેટ્રોલ ડીઝલ ભરી આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટના કેટલાક ડ્રાઇવરો અને સિક્યુરિટીના કર્મચારીઓ વાહન બહાર નીકળ્યા બાદ તેમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા હોવાના અનેકવાર કિસ્સા બહાર આવ્યા હતા. તે બાદ ગઈકાલે ફરી એકવાર વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે ગોદામમાં કોર્પોરેશન હસ્તકની ટેન્કર રાખવામાં આવી છે અને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી હોવાનું ઝડપી પાડ્યું હતું.
એસ.ઓ.જીના અધિકારીઓએ તપાસ કરતા વડોદરા કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈની કામગીરી કરતા જેટિંગ મશીનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે હાથ ધરેલી તપાસમાં બાલાજી સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડનો અને કોન્ટ્રાક્ટમાં છેલ્લા છ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારી ડીઝલ ચોરી કરી બારોબાર વેચાણ કરી દેતા હોવાનું જણાય આવ્યું છે. પોલીસે ડ્રાયવર આરીફ અને અન્ય એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.