Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો પડી છે, જે ગંભીર બાબત ગણવામાં આવી રહી છે. માંડવીનું ચુના આધારિત સદી પુરાણું બાંધકામ તેની પકડ ગુમાવી રહ્યું છે. આવા બાંધકામની નિયમિત ચકાસણી અને મરામત નહીં થવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું નિષ્ણાતો માને છે. પિલરના બાંધકામમાં ઉભી તિરાડો અંદર સુધી દેખાય છે, જે ચિંતાની બાબત છે.
ગયા ફેબ્રુઆરીમાં પિલરમાં તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું હતું અને ગર્ડરના ટેકા મૂકી ખોખલું થયેલું પ્લાસ્ટર ઉખેડવામાં આવ્યું હતું. જોકે ટેકા મૂક્યા બાદ હાલ કોઈ કામગીરી ચાલતી હોય તેવું જણાતું નથી. દરમિયાન ગયા શુક્રવારે પિલરમાંથી વધુ પોપડા નીચે પડ્યા હતા. આ પ્રકારના ઐતિહાસિક સ્થાપત્યના પિલરના રીપેરીંગ માટે હવે નવી ટેકનીક આધારિત રીપેરીંગ કામ થઈ શકે તેમ છે તેમ નિષ્ણાતો કહે છે. વડોદરા ચાર દરવાજા વિસ્તાર અસ્તિત્વમાં આવ્યા બાદ માંડવીના નિર્માણ પછી ગાયકવાડ શાસન દ્વારા વર્ષ 1736 અને 1856માં માંડવી બાંધકામનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી એક પિલરમાં હાલ તિરાડની સમસ્યા ઊભી થઈ છે. માંડવીનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે તેનું ફ્લોરિંગનું લેવલ ઊંચું હતું, પરંતુ વર્ષોથી રોડની કામગીરીમાં ડામરના થર વધતા ગયા અને તેને લીધે માંડવીનું ફલોરનું લેવલ રોડને સમાંતર થઈ ગયું. શહેરનો આ સૌથી વધુ વાહન વ્યવહારથી વ્યસ્ત વિસ્તાર છે. આખો દિવસ વાહનોની આવજા ચાલુ રહેવાથી તેની ધ્રુજારીના કારણે પણ પિલરમાં તિરાડ પડી હોવાનું પણ એક કારણ બતાવવામાં આવી રહ્યું છે.