વડોદરાઃ તપન પરમારની હત્યાના બનાવમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ પર ફરી એક વાર શિસ્તનો કોરડો ઝીંકાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ત્રણ વર્ષ પહેલાં પણ કારેલીબાગ પોીલસ સ્ટેશનના તમામ ૯૦ પોલીસ કર્મીની એક સાથે બદલી થઇ હતી.જેમાં દબાણનો સર્વે કરવા ગયેલા ડે મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન પર હુમલો થતાં પોલીસે બેદરકારી સેવી હોવાનું જણાવી આખા પોલીસ સ્ટેશનની તળિયાઝાટક બદલી કરાઇ હતી.
તો તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યાના બનાવમાં પણ કારેલીબાગ પોલીસની બેદરકારીને જવાબદાર ગણવામાં આવી છે અને ૧૭ જવાનોની બદલી તેમજ સેકન્ડ પીઆઇ સહિત ૧૦ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ,તપનના કેસમાં બે ગુના નોંધાયા હતા.જેમાં વિક્રમ પર ખૂની હુમલો થયો તે ગુનો કારેલીબાગમાં અને તપનની હત્યાનો બનાવ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.આમ,ફરી એક વાર કારેલીબાગ પોલીસ સ્ટેશન પર શિસ્તનો કોરડો વીંઝાયો છે.