વડોદરા,વાઘોડિયાના ફલોડ ગામે શેરી કૂતરાઓએ ૧૦ લોકોને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્રણ ઇજાગ્રસ્તોને કૂતરાએ ૧૫ થી વધુ બચકા ભર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
માત્ર શહેરમાં જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ શેરી કૂતરાઓનો આતંક છે. ગઇકાલે વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે શેરી કૂતરાઓએ આતંક મચાવ્યો છે. ગઇકાલે ૧૩ વર્ષની કિશોરીની પાછળ શેરી કૂતરાઓ પડયા હતા. કિશોરીને બચાવવા જતા નૂરમહંમદ મનસુરી અને ગણપત મોહનભાઇ પરમાર પર કૂતરાઓ તૂટી પડયા હતા. કૂતરાઓએ તેઓના શરીર પર ૧૨ જેટલા બચકા ભરી લીધા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કૂતરાઓએ લોકોને બચકા ભરવાનું શરૃ કર્યુ છે. અત્યારસુધી ૧૦ લોકોને કૂતરાઓએ બચકા ભરતા ગામમાં ભયનો માહોલ છે.