Domiltion in Vadodara : વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં છેલ્લા 20 દિવસથી શરૂ કરાયેલી દબાણ હટાવો ઝુંબેશ આજે પણ જારી રહી હતી. શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. 16, 17 અને 19માં રોડ રસ્તાના હંગામી દબાણો હટાવવાની કાર્યવાહી તરસાલી શાક માર્કેટ સહિત આજુબાજુના વિસ્તારમાંથી ગેરકાયદે લારી ગલ્લા પથારા સહિત કાચા-પાકા શેડ હટાવીને દબાણ શાખાની ટીમે ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 20 દિવસથી શરૂ કરાયેલા રોડ રસ્તા સહિત જમીન ઉપરના ગેરકાયદે દબાણો દબાણ શાખાની ટીમે દૂર કર્યા હતા. દબાણ હટાવવાની સતત ચાલતી કાર્યવાહી દરમિયાન ગઈકાલે પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના દબાણ હટાવની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે આજે શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં તરસાલી શાકમાર્કેટ આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં રોડ લાઈનમાં આવતા દબાણો સહિત કાચા પાકા શેડ તોડી ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો છે. દબાણ શાખાની આ કામગીરી દરમિયાન ઠેર-ઠેર તમાશો જોવા લોકટોળા એકત્ર થતાં રોડ રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસે રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. ઉપરાંત દબાણો હટાવતી વખતે કેટલી એ જગ્યાએ બોલાચાલી, તુ તુ મેં મેં પણ થઈ હતી. આ કાર્યવાહીમાં ત્રણેય વોર્ડ ઓફિસરો સહિત ત્રણેય વોર્ડનો સ્ટાફ તથા બંદોબસ્ત માટે મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તથા જમીન મિલકત શાખાની ટીમ, ટીડીઓ, ટીપીની ટીમ સહિત દબાણ શાખાના કર્મચારીઓ સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા.