દાહોદ તા.૦૩ દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડયા બાદરાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ અને સંજેલીમાં પણ દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે.
નકલી ચલણી નોટોના રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલીયા, કમલેશ તંબોલીયા સહિત ૧૦ લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બાસવાડાથી પ્રિન્ટરો અને લેપટોપ ખરીદી ઝાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યો હતો.
દાહોદ ખાતે ભાડાના મકાનમાં ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતારી હતી. પોલીસે આ કૌભાંડમાં ૧.૩૯ લાખની બનાવટી નોટો તેમજ બે પ્રિન્ટર લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં પોલીસે ઝાલોદના પેથાપુરના એક વ્યક્તિ તેમજ સંજેલીમાં ફોટો સ્ટુડિયો ચલાવનાર એક ઈસમની ધરપકડ કરી છે.
ઉલ્લેખની છે કે બનાવટી ચલણી નોટોનું કૌભાંડ રાજસ્થાનના બાસવાડા તેમજ દાહોદ, ઝાલોદ અને સંજેલી સુધી વિસ્તરાયેલું હતું. ઝડપાયેલા ભેજાબાજોએ બાસવાડા સિવાય દાહોદમાં કેટલી બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.