Vadodara : વડોદરા શહેરમાં ચારે બાજુએ બિલાડીના ટોપની જેમ ગેરકાયદે દબાણો રોજે રોજ નવા થઈ રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર માત્ર દબાણ હટાવીને જ સંતોષ માને છે પરંતુ કોઈ ચોક્કસ નીતિ રીતિ ગણવાની વિચારતા નથી. આવી જ રીતે શહેરના દક્ષિણ વિસ્તારમાં બરોડા ડેરી ત્રણ રસ્તાથી તરસાલી ગામ સુધી ખેર ઠેકાણે રોડ રસ્તાની બંને બાજુએ થયેલા હંગામી દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરી કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં બરોડા ડેરીથી તરસાલી ગામ સુધી રોડ રસ્તાની બંને બાજુએ તરબૂચના તંબુ, શેરડીના કોલા, કેરીના શેડ સહિત અન્ય ફળફળાદી તથા મોટર ગેરેજ, ચા-પાણીની લારીઓ, ખાણીપીણીની અસંખ્ય રેકડીઓ તથા દુકાનદારોએ બહાર શેડ બનાવીને ગોઠવેલો માલ સામાન પાલિકાની દબાણ શાખાએ ખસેડીને તંબુઓ, કાચા શેડ, અનેક લારીઓ તથા ગેરકાયદે ગોઠવાયેલા ગલ્લા દબાણ શાખાની ટીમ દ્વારા ખસેડાયા હતા. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.