યુવતી સાથેના અફેરમાં સમાધાન થઇ ગયા પછી પણ યુવકના ઘરે જઇ તોડફોડ કરનાર આરોપી સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાથીખાનામાં રહેતા રિક્ષા ડ્રાઇવર સાકીર અલીખાન પઠાણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે 9 વાગ્યે હું મારા ઘરે હતો. તે સમયે જપ્પુ મોહંમદ દિવાન (રહે. ચમન ટેકરા, હાથીખાના) મારા ઘરે આવ્યો હતો.તેણે કહ્યું કે, તારો ભાઇ અલિમા ઉર્ફે હલિમા ક્યાં છે ? તેને બહાર કાઢો. મેં તેને કહ્યું કે, મારો ભાઇ અહીંયા નથી. તેણે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. તે ગાળો બોલતો હોઇ મેં તેને કહ્યું કે, મારા ભાઇનું જે યુવતી સાથે અફેર હતું. તેમાં સમાધાન થઇ ગયું છે. અમે બે લાખ આપી દીધા છે. મારી વાત સાંભળીને તે વધારે ઉશ્કેરાયો હતો અને મને બે તમાચા મારી દીધા હતા. તેણે લાકડી વડે મારા ઘરના દરવાજા પર ફટકા માર્યા હતા. તેમજ ઘરની બહાર પાર્ક કરેલા મોપેડ અને એ.સી.ને પણ નુકસાન પહોંચાડયું હતું. મેં બૂમાબૂમ કરતા તે ભાગી ગયો હતો.