વડોદરાઃ સામાન્ય રીતે કોઈ પણ પરીક્ષા ૬ થી સાત દિવસ ચાલતી હોય છે પરંતુ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાયમાં અભ્યાસ કરતા ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ સતત ૧૪ દિવસ સુધી પરીક્ષા આપશે.
કોમર્સ ફેકલ્ટી દ્વારા એસવાયના ઈન્ટરનલની એરિયર પરીક્ષાનું તા.૫ ડિસેમ્બરથી આયોજન કરવામાં આવ્યું છે.એ પછી તરત તા.૧૩ ડિસેમ્બરથી એસવાયના પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા શરુ થશે.
આમ તો એસવાયમાં ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ એરિયર પરીક્ષા એવા વિદ્યાર્થીઓ માટે છે જે અગાઉ લેવાયેલી ઈન્ટરનલ પરીક્ષા આપી નહોતા શક્યા.જેમાં યુનિવર્સિટીના નવા નિયમ પ્રમાણે એફવાયમાંથી એસવાયમાં એટીકેટી સાથે પહોંચેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
કારણકે અગાઉ નાપાસ થયેલા આ વિદ્યાર્થીઓને નવા નિયમ પ્રમાણે એટીકેટી સાથે એસવાયમાં પ્રવેશ અપાયો ત્યારે એસવાયની ઈન્ટરનલ પરીક્ષા લેવાઈ ચૂકી હતી.આમ આ વિદ્યાર્થીઓ ઈન્ટરનલ પરીક્ષા આપશે અને એ પછી તરત જ તેમની ફાઈનલ પરીક્ષાનો પ્રારંભ થશે.
નવો નિયમ અમલમાં મૂકવામાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા થયેલા વિલંબના કરાણે એટીકેટી સાથે એસવાયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એસવાયમાં અભ્યાસ કરવા માટે વધારે સમય મળ્યો નથી ત્યારે ઈન્ટરનલ અને એ પછી ફાઈનલ પરીક્ષાના પરિણામ પર તેની અસર દેખાઈ શકે છે.