વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પેપર સેટ કરવાની કામગીરી હવે ઓનલાઈન થશે.આ માટે યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરે સિસ્ટમ તૈયાર કરી છે.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ તેને કાર્યરત કરવામાં આવશે.
સૂત્રોએ કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં દરેક સેમેસ્ટર એન્ડ પરીક્ષા એકાદ મહિના સુધી ચાલતી હોય છે.તમામ ફેકલ્ટીઓમાં મળીને ૭૦૦ જેટલા અધ્યાપકો ૪૦૦૦ કરતા વધારે પેપર સેટ કરતા હોય છે.અત્યારની સિસ્ટમ પ્રમાણે અધ્યાપકો પેપર સેટ કરીને પરીક્ષાના લગભગ દસેક દિવસ અગાઉ પરીક્ષા વિભાગને સીલ કવરમાં મોકલતા હોય છે.પરીક્ષા વિભાગ દ્વારા આ પેપરો સીલ કવરમાં જ પરીક્ષાના એક દિવસ પહેલા યુનિવર્સિટી પ્રેસમાં મોકલવામાં આવે છે.આ માટે કર્મચારીઓને પરીક્ષા વિભાગથી યુનિવર્સિટી પ્રેસ સુધી રોજ ચાર થી પાંચ ધક્કા ખાવા પડે છે.
તેની જગ્યાએ હવે કોમ્પ્યુટર સેન્ટરે અધ્યાપકો પેપર સેટ કરીને ઓનલાઈન સીધા યુનિવર્સિટી પ્રેસ મેનેજરને મોકલી શકે તેવી સિસ્ટમ ડેવલપ કરી છે. સુરક્ષા માટે અધ્યાપકો પેપરને એન્ક્રિપ્ટ કરી શકશે. અને પ્રિન્ટિંગના ૪૮ કલાક પહેલા પ્રેસ મેનેજર તેને ડિક્રિપ્ટ કરી શકશે.આમ પરીક્ષાના પેપરની ફાઈલ એન્ક્રિપ્શનના કારણે કોઈના હાથમાં પડે તો પણ તે તેને વાંચી નહીંં શકે.દરેક અધ્યાપકની એન્ક્રિપ્શન કી અલગ હશે અને પેપર ડિક્રિપ્ટ કરવાની કી પણ અલગ રહેશે.
સૂત્રોનું કહેવું છે કે, તેના કારણે પરીક્ષા વિભાગ પરનો ભાર હળવો થશે.નજીવા ફેરફારો સાથે આ સિસ્ટમને પરીક્ષા વિભાગે પણ મંજૂરી આપી છે.આગામી દિવસોમાં યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મંજૂરી માટે પ્રસ્તાવ મૂકાશે.કાઉન્સિલની લીલી ઝંડી મળ્યા બાદ સિસ્ટમ અધ્યાપકો માટે કાર્યરત થશે.