વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ શહેરના વિવિધ ઓવરબ્રિજ ઉપર રોડ કાર્પેટિંગની કામગીરીનું આયોજન હાથ ધરાયું છે. જેમાં ફતેગંજ અને કલાલી બ્રિજની કામગીરી પણ શરૃ થવાની છે.
કોર્પોરેશન દ્વારા આ માટે પોલીસનું ૪૫ દિવસનું જાહેરનામું પણ બહાર પડાવ્યું છે. બંને બ્રિજ બે દિવસ બાદ ટ્રાફિક વ્યવહાર બંધ કરવામાં આવશે. જો કે કામગીરી પ્રમાણે બ્રિજ પર એક બાજુના ભાગની કામગીરી ચાલુ હોય ત્યારે બીજા ભાગમાં ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે. નીચે સર્વિસ રોડ પણ ચાલુ જ રહેશે અને ત્યાં ડાયવર્ઝન અપાશે. એટલે લોકોને વાંધો નહીં આવે. હાલ બંને બ્રિજ પર લોકોને બ્રિજ અંદાજે ૪૧ દિવસ બંધ થશે તેની માહિતી આપતા બોર્ડ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે બ્રિજ કામગીરીને લીધે બંધ થશે. બંને બ્રિજ પર જૂનો ડામર ઉખેડી નવેસરથી કામગીરી કરાશે. બ્રિજ ઉપર ડામરના ઉપરાછાપરી થરથી લોડ વધે નહીં તે માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. કલાલી બ્રિજ ત્રિપાંખિયો છે, એટલે ત્યાં પણ વન સાઈડ રોડ કામગીરી મુજબ ચાલુ બંધ રખાશે. આ અગાઉ લાલબાગ બ્રિજ અને સોમા તળાવ બ્રિજ પર રિપેરીંગની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યા હતા.