વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સતત ત્રીજા વર્ષે પણ વાઈસ ચાન્સેલરના નિવાસસ્થાને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં નહીં આવે.
પદવીદાન સમારોહના આડે હવે ૩ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વી આર પ્રાઉડ ઓફ યુ…નામથી યોજાતા આ સન્માન સમારોહના આયોજનની કોઈ હિલચાલ નજરે પડી નથી.યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહના એક દિવસ પહેલા વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને બોલાવીને તેમનું ભગવદ્ ગીતાની એક પ્રત આપીને સન્માન કરાતું હતું.તેમને યુનિવર્સિટી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા સ્ટેજ અપાતું હતું અને સાથે તેમને અને તેમના પરિવારજનો માટે ડિનર પણ યોજાતું હતું.
દસ વર્ષથી શરુ થયેલી આ પરંપરા ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ બંધ કરી દીધી છે.ગોલ્ડ મેડાલિસ્ટો માટે વાઈસ ચાન્સેલર નિવાસ સ્થાનની લોન પ્રતિબંધિત વિસ્તાર બની ગઈ છે.ઉલટાનું બે વર્ષ પહેલા સન્માન સમારોહના નામે ચં.ચી.મહેતા ઓડિટોરિયમમાં યોજાયેલા અન્ય કાર્યક્રમમાં ગોલ્ડ મેડાલિસ્ટોને બેસાડી દઈને તેમની વાઈસ ચાન્સેલરે ક્રુર મજાક કરી હતી.જેની સામે તે વખતે વિદ્યાર્થીઓએ રોષ પણ ઠાલવ્યો હતો.ગત વર્ષે પણ કોઈ સમારોહ યોજાયો નહોતો અને આ વર્ષે પણ સમારોહનું આયોજન કરવાની કોઈ હિલચાલ નજરે પડી નથી.
ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો પણ વીસી પાસે સમય નથી તેવી ટીકા અધ્યાપક આલમમાં થઈ રહી છે.