વડોદરા,ભાયલીમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાંન્ચ કેનાલ ઉપર સનફાર્મા-ભાયલીને જોડતા કેનાલ બ્રિજનો ઉગ્ર વિરોધ શરૃ થયો છે. આજે ભાયલીના રહીશોએ દેખાવો કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
દરમિયાન વડોદરામાં ભાજપ કાર્યાલયના તકતી અનાવરણ પ્રસંગે પ્રદેશના નેતાઓ આવવાના હોવાથી ક્રાંતિકારી સેનાએ વાસણા-ભાયલી બ્રિજના વિરોધમાં બેનરો લગાવ્યા હતા, જેમાં લોકોની વેદના ઠાલવી હતી કે, ”મોદી, તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છે, જનતા વોટ આપે, જનતા વિરોધ કરે તો નેતાઓ શું કરશે ” તેના સવાલ બેનર દ્વારા ઊઠાવ્યા હતા.
ભાયલીના રહેવાસીએ કહ્યું હતું કે, આ બ્રિજની કોઈ જરૃર નથી, ૧૨ ફૂટ પહોળી કેનાલ પર મોટો બ્રિજ કરવાને બદલે નાનું નાળુ કે સાયફન બનાવી શકાય.આ રોડ ૩૦ મીટર પહોળો છે, જયાં ટ્રાફિક દબાણો નથી. બીજે જયાં રોડ પર ટ્રાફિક થાય છે અને દબાણો ઊભા થયા છે તે હટાવવાની જરૃર છે. ૭૨ કરોડનો ખર્ચ શા માટે કરાય છે ? ભાયલીના જે પ્રાથમિક પ્રશ્નો છે, તે હલ કરવાની જરૃર છે.
બ્રિજનું કામ બંધ ન થાય તો ઉગ્ર આંદોલન થશે. એક મહિલાએ પણ જણાવ્યું હતું કે, કેનાલ પર બ્રિજની જરૃર નથી. આ નાણાંનો વેડફાટ છે. બ્રિજની પરેશાની વધશે.