Updated: Dec 9th, 2023
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓનુ સંગઠન ફાઈન આર્ટસ એલ્યુમનાઈ એસોસિએશ તેમજ ફેકલ્ટી સત્તાધીશો ફરી એક વખત આમને સામને આવી ગયા છે.
ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના બીજા શનિવારે ફેકલ્ટી કેમ્પસમાં રિ યુનિયનનુ આયોજન કરવામાં આવતુ હોય છે.આ વર્ષે પણ આજે રિ યુનિયનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જોકે સંગઠન સાથે સંકળાયેલા એક પૂર્વ વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, ૨૦૧૫થી ફેકલ્ટીમાં રિ યુનિયન કરવા માટે સત્તાધીશો પરવાનગી આપતા હોય છે.આ વખતે જ અમને પરવાનગી આપવામાં આવી નથી અને તેના કારણે અમારે સ્થળ બદલવુ પડયુ છે.આજે અમારુ રિ યુનિયન કમાટીબાગના એમ્ફી થિયેટર ખાતે યોજાયુ હતુ.જેમાં ૩૦૦થી વધારે પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ બહારગામથી ખાસ રિ યુનિયન માટે આવ્યા હતા.આ મુદ્દે પૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે અને ચાન્સેલરને પણ પત્ર લખીને આ અંગે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ ફેકલ્ટી ડીન પ્રો.અંબિકા પટેલે કહ્યુ હતુ કે, ફેકલ્ટી જ નહીં પણ યુનિવર્સિટી સત્તાધીશો પણ ઈચ્છતા છે કે, પૂર્વ વિદ્યાર્થીઓનુ સંગઠન ઔપચારિક રીતે અમારી સાથે એમઓયુ કરે તેમજ સંગઠનની પ્રવૃત્તિઓ અને ફેકલ્ટી સાથે કેવી રીતે તેઓ કામ કરવા માંગે છે તેની જાણકારી આપે.સંગઠનમાં રહેલા કેટલાક લોકો ગમે ત્યારે ફેકલ્ટીને અને યુનિવર્સિટીને બદનામ કરવાની તક શોધતા હોય છે.જે યોગ્ય નથી.અમે તેમને એમઓયુ બાદ ફેકલ્ટીમાં રિ યુનિયનનુ આયોજન કરવા દેવા માટે તૈયાર હતા પણ તેઓ રાહ જોવા માટે તૈયાર નહોતા.ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના આયોજન માટે પણ પૂર્વ વિદ્યાર્થીઓનુ સંગઠન અને સત્તાધીશો આમને સામને આવી ગયા હતા.એ પછી પૂર્વ વિદ્યાર્થીઓને બાજુ પર રાખીને નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.