Attack On Foreign Students In Vadodara: વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બુટ- ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હતી. જોકે તેમ છતાં વિદેશી વિદ્યાર્થીઓએ આવું કરતાં સ્થાનિક લોકોએ ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ મામલે આખરે યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 જેટલા ઈસમો સામે ફરીયાદ નોંધાવાઈ છે.
ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો
મળતી માહિતી અનુસાર, લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનનાં ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઈન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ-ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક પહોંચી ગયા હતા. ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો.
ઝઘડો કરનાર શખસે ફોન કરીને અન્યને બોલાવ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરી લાકડી, બેટ તેમજ પથ્થરો મારી ઈજા પહોંચાડી હતી. સુફેચ નામના વિદેશી વિદ્યાર્થીને વધારે ઈજા પહોંચી હતી. સ્થાનિકો દ્વારા વિદેશી વિદ્યાર્થીને ઢોર માર મારતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ બનાવ અંગે યુનિવર્સિટીના કર્મચારી આશુસીંગ ઉર્ફે અશોક નંદેસીંગ રાજપુતે 10 અજાણ્યા શખસો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.