વડોદરા,મુંબઇની ખાનગી કંપનીના મેનેજરને ૧.૭૫કરોડ રૃપિયા વ્હાઇટ કરી આપવાના બહાને છેતરપિંડી કરવાના ગુનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
કર્ણાટકના બેંગલોર ખાતે રહેતા મનસુરઅલી જાફરઅલી પઠાણ હાલમાં ઇસ્ટ મુંબઇના વડાલા ખાતે રહે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ગત તા. ૨૯ – ૧૧ – ૨૦૨૪ ના રોજ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું મુંબઇ ખાતે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં આવેલી મેલોટ ટેકનોલોજી પ્રા.લિ.માં મેનેજર તરીકે નોકરી કરૃં છું. મેં કર્ણાટકનું મારૃં મકાન વેચતા ૧.૭૫ કરોડ આવ્યા હતા. તે રૃપિયા વ્હાઇટ કરી આપવાનું કહી મને વડોદરા બોલાવી ઠગ ટોળકી રૃપિયા લઇને ફરાર થઇ ગઇ હતી. આ ગુનામાં માંજલપુર પોલીસે આરોપી રૃહુલ ઉર્ફે રાહુલ અબ્દુલકાદર ખત્રી (રહે. જુમેરા પાર્ક સોસાયટી, તાંદલજા) ની ધરપકડ કરી છે. આ ગુનામાં અગાઉ છ આરોપીઓ ઝડપાઇ ગયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને હજી પકડવાના બાકી છે.