વડોદરા : વડોદરામાં તરસાલી બાયપાસ નજીક રહેણાંક અને વ્યાપારીક સ્કિમમાં મહિલા બિલ્ડરે એક વેપારીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને એક દુકાનનો દસ્તાવેજ વેપારીના નામે કરીને તેના ઉપર લોન લઇ લીધી હતી. આ વાત વેપારીના ધ્યાનમાં આવતા ચોંકી ઉઠયા હતા અને મહિલા બિલ્ડર સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા બિલ્ડર મૃણાલિની ચિરાગભાઇ શાહે ધરપકડથી બચવા આગોતરા જામીન માટે વડોદરાની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જે નામંજૂર થઇ છે.
સમા-સાવલી રોડ ઉપર રહેતા વેપારી સંકેત નિલમચંદ્ર શાહ (ઉ.૩૫) ફરિયાદ આપી હતી કે મહિલા બિલ્ડર મૃણાલિની ચિરાગભાઇ શાહ (રહે.આધાર સોસાયટી-નાલંદા ટાંકી સામે, વાઘોડિયારોડ) પાસેથી અગાઉ તરસાલી બાયપાસ નજીક તેઓને સ્કિમ પલાસ હાઇટ્સમાં દુકાન ખરીદી હતી એટલે મારા ડોક્યુમેન્ટ તેની પાસે હતા. આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પલાસ હાઇટ્સમાં જ દુકાન નં.૨૨નો દસ્તાવેજ મારા નામે કરી લીધો હતો અને પછી તેના આધારે મારા નામે બેંક ઓફ બરોડાની રણોલી બ્રાંચમાંથી રૃ.૨૭ લાખની લોન લઇ લીધી હતી. લોનના હપ્તા નહી ભરાતા રિક્વરી એજન્ટનો મારા ઉપર ફોન આવ્યો ત્યારે મને આ કૌભાંડની જાણકારી મળી એટલે મે મૃણાલિનીબેનનો સંપર્ક કરતા તેમણે બેંકમાં લોન ભરપાઇ કરી દીધી હતી. પરંતુ મારી જાણ બહાર મરા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને મારી ખોટી સહીઓ કરીને લોન લઇને મારી સાથે છેતરપિંડી કરી છે.