વડોદરા તા.૧૩ વડોદરા નજીક કપુરાઇ સીમમાં આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પ્રવેશતા એક કન્ટેનરમાંથી જિલ્લા પોલીસે દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કન્ટેનરના ડ્રાઇવરની ધરપકડ કરી કુલ રૃા.૨૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બંધબોડીની એક આઈશર ગાડીમાં દારૃનો જથ્થો ભરીને તે ગોધરા તરફથી હાલોલ થઇ વડોદરા આવેલ છે અને કપુરાઇ ગામની સીમમાં નશનલ હાઇવે નંબર ૪૮ ની બાજુમાં આવેલ મહાદેવ હોટલ ઉપર ડ્રાઇવર જમવા માટે રોકાનાર છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી હતી.
દરમિયાન સાંજે બાતમીવાળી આઇશર ગાડી હોટલના કંપાઉન્ડમાં આવતા કોર્ડન કરી રોકવામાં આવી હતી. ગાડીમાં ડ્રાઇવર એકલો જ હોય જેનું નામ પૂછતા પ્રકાશ ઉકાર અવાસીયા (રહે.બડા ભાવટા, તા.ભાભરા, જિલ્લો.અલીરાજપુર, મધ્ય પ્રદેશ) જાણવા મળ્યું હતું.
આઇશર ગાડીમાં તપાસ કરતાં રૃા.૧૪.૨૭ લાખ કિંમતની દારૃ અને બીયરની ૧૨૨૧૬ બોટલો અને ટીન મળ્યા હતાં. પોલીસે દારૃનો જથ્થો, એક મોબાઇલ અને કન્ટેનર મળી કુલ રૃા.૨૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો તે અંગે ડ્રાઇવરની પૂછપરછ કરતા પ્રતિકસીંગ રહે.ભોપાલ (એમ.પી.)એ તેને ફોન કરીને જણાવેલ કે ભોપાલ બાયપાસ ઉપર બંધબોડી આઇસર ગાડી ઊભી છે તે લઇને વડોદરા જવાનુ છે.