વડોદરાઃ એક લાખના દસ લાખ રૃપિયા કરવાના નામે ઠગાઇ કરનાર ગેંગ દ્વારા આચરવામાં આવતી ઠગાઇની પધ્ધતિની પોલીસ દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,એકના ડબલ કે એકના દસ લાખ કરવાની વાતોમાં લોકોને ફસાવતી ટોળકીમાં મહિલાઓ વધુ ભોગ બની છે.ઠગ ટોળકીના સાગરીત રિક્ષામાં મુસાફરી દરમિયાન પેસેન્જર તરીકે બેસતી મહિલાને વાતોમાં ફસાવી પરિચય કરવામાં આવતો હતો.
આ ઉપરાંત ટોળકી દ્વારા કેટલાક કિસ્સામાં પરિવારના સદસ્યો સાથે પરિચય કેળવીને એક યુવતીના લગ્ન કરવાના છે,સારો મૂરતિયો બતાવજો કહીને યુવતીનો ફોટો બતાવી એકના ડબલની વાતો કરીને તેમજ રિવાજની લેવડદેવડના નામે રૃપિયા અને સોનાની ચેન પડાવી લેવામાં આવ્યાના પણ કિસ્સા ખૂલ્યા છે.
ભેજાબાજ ટોળકીના છ સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે બીજા ચાર સાગરીતોની પણ સંડોવણી ખૂલતાં તેમની શોધખોળ માટે બે ટીમો કામે લાગી છે.