Vadoadra : વડોદરા શહેરમાં વોર્ડ નંબર 1 વિસ્તારના પાઇપલાઇન ગેસના ગ્રાહકોને ગેસ બિલ ભરવા માટે ફતેગંજ અને દાંડિયા બજાર સુધી જવું પડતું હતું, અને ત્યાં ખૂબ લાઈનો લાગતા મુશ્કેલી પડતી હતી, જેથી કોર્પોરેશનની વોર્ડ નંબર 1ની કચેરીમાં ગેસ બિલ ભરી શકાય તેવી વ્યવસ્થા ચાલુ કરવાની માગણી અંતે પૂરી થઈ છે. આજથી ગેસ બિલ સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
વડોદરા કોર્પોરેશનની બનેલી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વોર્ડ નંબર 1ના નિઝામપુરા, નવા યાર્ડ, છાણીનો ભાગ, સરદારનગર, ટીપી 13, કેનાલ રોડ વગેરે વિસ્તારમાં ઘરેલુ ગેસ પાઇપલાઇનના જોડાણો અપાયા છે. ગેસ ગ્રાહકો જે ઓનલાઇન બિલ ભરતા ન હોય તે કોર્પોરેશનની ફતેગંજ ઓફિસે ગેસ બિલ ભરવા જતા હતા, જ્યાં એક જ ટેબલ હોવાથી ગેસ બિલ ભરવા લોકોની લાઈનો લાગતી હતી. છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ 1ની નવી કચેરી કાર્યરત કરવામાં આવતા વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આ ઓફિસમાં ગેસ બિલ ભરી શકાય તેની સુવિધા ઉભી કરવા છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવી હતી. ગેસ બિલ સવારે 9:30 થી બપોરે 1.30 અને 1.30 થી બપોરે 3 સુધી ભરી શકાશે.