૩ હજાર ગેસ કનેકશન મળશે ઃ સપ્તાહ બાદ વારસિયામાં જૂની લાઇન બદલવા કામ શરૃ થશે
Updated: Dec 16th, 2023
વડોદરા,વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ૨.૮૬ કરોડના ખર્ચે પાઇપલાઇન ગેસની લાઇન નાખવાનું આજથી શરૃ કરવામાં આવ્યું છે. છાણી સરદાર ચોક ખાતે આ કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીને લીધે છાણીમાં આશરે ૩૦૦૦ ગેસ કનેકશન આપી શકાશે.
ગુજરાત વિધાનસભાના દંડકે આ પ્રસંગે જણાવ્યું હતું કે ૨૩ કિમીની આ કામગીરી થવાની છે, લોકો આ સુવિધા માટે છેલ્લા દોઢ બે વર્ષથી રજૂઆત કરતા હતા. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે આ કામગીરીમાં લોકોને કોઇ ખર્ચ થવાનો નથી, અને વડોદરા ગેસ લિ. દ્વારા તેના ખર્ચે ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. ૩૦૦૦ ઘરને તેનો લાભ થવાનો છે. ત્રણ મહિનામાં આ કામગીરી પૂર્ણ થઇ જાય તેવી ધારણા છે. હવે અઠવાડિયા બાદ વારસિયા વિસ્તારમાં પણ ૩ કરોડના ખર્ચે વર્ષો જૂની ગેસલાઇન બદલવાની કામગીરી કંપનીના ખર્ચે શરૃ કરવામાં આવશે.
જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે છાણી ગામ કોર્પોરેશનની હદમાં ૧૭ વર્ષ પહેલા જોડાયું હતું ત્યાર પછી મૂળભૂત સુવિધાઓ જેમ કે પાણી, ડ્રેનેજ-ગટર લાઇનની માગ લોકો કરી રહ્યા હતા. લોકોને હવે ગેસ લાઇનની સુવિધા મળી રહી છે ત્યારે આ કામ વેળાસર પૂર્ણ થાય તે જરૃરી છે. નર્મદા કેનાલ નીચેથી ગેસલાઇન પસાર કરવા મંજૂરી મેળવવામાં વિલંબ થતા છાણીમાં ગેસની કામગીરીમાં મોડું થયું છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ શહેર વિસ્તારમાં ૯.૫૦ કરોડના ખર્ચે જૂની ગેસલાઇન બદલવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. માંડવી-મહેતાપોળ, વાડી, ગાજરાવાડી, ભૂતડીઝાંપા, પાણીગેટ, કારેલીબાગ, ખારીવાવ રોડ, બાવામાનપુરા વગગેરે વિસ્તારમાં આ કામગીરીને લીધે આશરે ૭૩ કિલોમીટરનું પાઇપલાઇનનું નવું નેટવર્ક આકાર લેશે. જેના લીધે ૭૦૦૦ કુટુંબોને ફાયદો થશે.