Vadodara Gas Limited : વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ખુશાલચંદ વિદ્યાલયની પાસે ગેસની સમસ્યા ઉદભવી છે. ત્યાંના રહીશોને કેવું છે કે, લીમડાપોળ મહાજન ગલીમાં છેલ્લા કેટલા દિવસથી ગેસ પુરવઠો યોગ્ય આવતો નથી. ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોય છે. જેથી ત્યાંના રહીશોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ગેસ પૂરતા પ્રમાણમાં નહીં મળવાના કારણે અમારે ઘરમાં રસોઈ બનાવી શકાતી નથી. બહારથી ટિફિન લાવવા પડે છે. આ ટિફિનના પૈસા શું કોર્પોરેશન આપવાની છે કે નેતાઓ આપવાના છે? અધિકારીઓને જ્યારે ફોન કરીએ છીએ ત્યારે આટલા દિવસો પછી એન્જિનિયર જોવા માટે આવ્યો. ચાર જગ્યાએ ખાડા કરી તપાસ શરૂ કરી હતી. આજે સમસ્યાનો અંત આવશે એવું અધિકારીઓ જણાવ્યું હતું. અમુક જગ્યાએ ખાડામાં પાણી ભરાઈ ગયું છે એવું કહેતા પાણી કાઢ્યા પછી અહીં ફોલ્ટ મળી ગયો છે એવી વાતો કરી કોઈ કામ પૂર્ણ કરતા નથી. આજ વસ્તુ કોઈ મેયર, નેતા કે કમિશનરને ત્યાં થઈ હોત તો કેટલા સમયમાં પાલિકા પડતી મુશ્કેલીનું સોલ્યુશન લઈ આવે ? પરંતુ આમ જનતા માટે કોઈ અધિકારી કે નેતા કામ કરતું નથી.
બીજા સ્થાનિકે જણાવ્યું કે, રાવપુરા વિસ્તારમાં વિદ્યાલય પાસે ગેસનો પ્રોબ્લેમ થયો છે. ઓછા પ્રેશરથી ગેસ આવતા અમે અવારનવાર ફોન કરી રજૂઆતો કરી, પરંતુ કોઈ અધિકારી સમસ્યાનો અંત લાવવા આવતો નથી, ગેસ ઓફિસના ધક્કા ખાઈએ અમે થાકી ગયા. રોજ સેવઉસળ લઈને બહારનું ખાવું પડે છે. જેથી અમારે આજે ઉગ્ર રજૂઆત કરવી પડી.
આ બાબતે સ્થાનિક મહિલાઓ પણ રોષે ભરાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે આખી દિવાળી અમારે બહારથી ભોજન લઈને ખાવું પડ્યું હતું. અનેક વાર કહેવા છતાં ગેસ લાઇનનું કામ પૂર્ણ કરતા નથી હવે વેળાસર જો આ અગવડતા દૂર નહીં થાય તો અમે કચેરીએ જઈ આંદોલન કરીશું.