વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરું થઈ ગયું છે.હજારો વિદ્યાર્થીઓની સાથે તંત્ર પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે.
પરીક્ષા દરમિયાન સંવેદનશીલ કેન્દ્રો પર નજર રાખવા માટે વહીવટીતંત્રમાં ફરજ બજાવતા ૨૫ જેટલા ક્લાસ ૧ અને ક્લાસ ૨ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે.બોર્ડ પરીક્ષામાં અગાઉ જિલ્લા કક્ષાએ સ્થાનિક શિક્ષકો અને આચાર્યોની સ્કવોડ બનાવવામાં આવતી હતી.જે વિવિધ સ્કૂલોમાં ચેકિંગ કરતી હતી.જોકે સીસીટીવીથી પરીક્ષા પર નજર રાખવાનું શરુ કરાયા બાદ હવે સ્થાનિક સ્કવોડ બનાવવાનું બંધ કરી દેવાયું છે.માત્ર રાજ્ય કક્ષાની વિજિલન્સ સ્કવોડ ઉડતી મુલાકાતે આવતી હોય છે.
જોકે વડોદરા શહેર જિલ્લાના સંખ્યાબંધ કેન્દ્રો એવા હોય છે જ્યાં સતત નજર રાખવી જરુરી હોય છે.વડોદરા ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ ૨૫ જેટલા ક્લાસ ૧ અને ક્લાસ ૨ કેટેગરીના સરકારી અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવશે.આ અધિકારીઓ પરીક્ષા યોગ્ય રીતે લેવાય છે કે નહીં અને માહિતી તેમજ બાતમીના આધારે ચોક્કસ પરીક્ષા કેન્દ્રો પર નજર રાખશે.તેમની આ કેન્દ્રો પર આખા દિવસ માટે નિમણૂક કરાશે.
દરમિયાન ડીઈઓ કચેરી દ્વારા પરીક્ષા કેન્દ્રોના સંચાલકોની પણ એક બેઠક ગઈકાલે, શુક્રવારે બોલાવવામાં આવી હતી.જેમાં સંચાલકોને સીસીટીવી ચેક કરાવવા માટે, બીન અધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ના કરે તેમજ વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ના કરે તે માટે તેમનું ચેકિંગ કરવા સહિતના નિયમોનું પાલન કરાવવા માટે જાણકારી આપવામાં આવી હતી.