Vadodara News : વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના હોસ્પિટલમાં સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવા અંગેની જાણકારી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને મળતા આજે આરોગ્ય અમલદાર દિવ્યેશ પટેલની સૂચનાથી ડોક્ટરોની એક ટીમે અંજના હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામના બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા અન્ય હોસ્પિટલ્સમાં તપાસ શરૂ કરી દેવાઈ છે. જે તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. જેને પગલે આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે અમદાવાદની જેમ વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ સરકારી યોજનાના નામે ગેરરીતિ થઈ હોવાની માહિતી બહાર આવી હતી.
આ પણ વાંચો : ખ્યાતિકાંડના પીડિતો-બોરિસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ
તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં હોસ્પિટલના એક દર્દીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દર્દીનું કહેવું છે કે, જેમને જરૂર નથી તેવાને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને તે ફોટાને આયુષ્યમાન કાર્ડની વેસબાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જેથી અમદાવાદ બાદ હવે વડોદરાની અંજના ખાનગી હોસ્પિટલ પણ શંકાના ઘેરામાં આવવા પામી છે. જો કે, મામલો વેગ પકડતા અંજના હોસ્પિટલ સામે સનસનીખેજ મામલો સપાટી પર આવ્યા બાદ હોસ્પિટલના સંચાલકો દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અમલદારે શું કહ્યું?
ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિક પ્રશાસન દોડતુ થયું છે. વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર દેવેશ પટેલનું કહેવું છે કે, ‘વીડિયો ધ્યાને આવતા અમારા સ્વાસ્થ્ય વિભાગની અને રાજ્ય સરકારે રચેલી સ્વાસ્થ્ય ટીમને તપાસ માટે મોકલી છે, તેનો અહેવાલ આવશે તે રાજ્ય સરકારને સુપરત કરીશું. જ્યારબાદ રાજ્ય સરકાર નક્કી કરશે કે આમા શું કાર્યવાહી કરવાની થાય છે’.
આયુષ્યમાન કાર્ડ અધિકારીએ શું કહ્યું?
તો તપાસ માટે હોસ્પિટલ પહોંચેલા આયુષ્યમાન કાર્ડ અધિકારી ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, ‘વીડિયો વાઈરલ થયા બાદ મુખ્ય આરોગ્ય અમલદારે અમને તપાસ માટે મોકલ્યા હતા. તેના રિપોર્ટ અમે ઉપરી અધિકારી અને સરકારને સુપરત કરીશું. હાલ ICUમાં 12 દર્દી દાખલ છે. તેમની તમામ માહિતી અમે ચેક કરી રહ્યા છીએ કે, ખરેખર જે સારવાર અપાઈ રહી છે તેની તેમને જરૂર છે કે નહીં. દર્દીઓને આયુષ્યમાન કાર્ડના આધારે એડમિટ કરતા હોય છે. દર્દીની તમામ માહિતી પોર્ટલ પર શેર કરવામાં આવે છે. ડિસ્ચાર્જ વખતે દર્દીનો વીડિયો રેકોર્ડ કરીને તમામ માહિતી સાથેની ડિસ્ચાર્જ સમરી ભરવામાં આવતી હોય છે’.
ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા
સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી છે. લોકો માટે તો આ યોજના આશીર્વાદ સમાન છે, પરંતુ તબીબો આ યોજનાનો બેફામ ઉપયોગ કરીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાના ગજવા ભરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
હવે વડોદરાની પણ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શંકાના ઘેરામાં આવી છે. જેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ ખુલી શકે તેમ લાગી રહ્યું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.
સમગ્ર મામલે પાલિકાના અધિક આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, ‘આ અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હોવાનું જાણવા મળ્યું છે જેના આધારે આજે ડોક્ટરોની ટીમ ભાયલી સેવાસી સ્થિત અંજના હોસ્પિટલ ખાતે પહોંચી જઈ તપાસ કરી હતી અને જરૂરી માહિતી અને દસ્તાવેજો મેળવી તપાસ કરવામાં આવી રહી છે.’