Vadodara Court : ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ જેવા 263 ગુનાઓમાં સંડોવાયેલા 17 આરોપીઓની ટોળકી (સિકલીગર ગેંગ) સામે બાપોદ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન જેલમાં કેદીઓની સલામતી અને સુરક્ષાનો પ્રશ્ન ઉદ્ભવતા સીકલીગર ગેંગના 14 આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં ટ્રાન્સફરની માંગ અદાલતે ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં ખસેડવા આદેશ આપ્યો છે.
તપાસ અધિકારીએ સીકલીગર ગેંગના આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં સ્થાનાંતરિત કરવા અરજ મૂકી હતી. જેની ગુજસીટોક સ્પેશિયલ જજ જયેશ.એલ.ઓડેદરાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે ધારાશાસ્ત્રી આર.એન.પંડ્યાએ દલીલો કરી હતી કે, આરોપીઓ સીકલીગર ગેંગના સભ્યો છે, તેઓએ લૂંટ, ખંડણી, હત્યાનો પ્રયાસ, ધમકી, ચોરી જેવા અંદાજે 203 જેટલા ગુનાને અંજામ આપ્યો છે, આરોપી જોગિન્દરસિંહ સીકલીકર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, બધા આરોપીઓને એક જ જેલમાં સાથે રાખવામાં આવે તો અન્ય ગુનાઓનું આયોજન કરવું સરળ બનશે, આરોપીઓ હાર્ડકોર ગુનેગારો છે અને જેલમાં તેમનું વર્તન અન્ય કેદીઓના જીવ પર જોખમ ઊભું કરી શકે છે, કેદીઓની સલામતી અને સુરક્ષા જેલ અધિકારીઓની મુખ્ય જવાબદારી છે, અન્ય કેદીઓના હિતમાં છે કે, આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની વિવિધજેલોમાં ટ્રાન્સફર કરવામાં આવે. અદાલતે નોંધ્યું હતું કે, જો કોઈ કેદીનું વર્તન જેલની સલામતી અને વ્યવસ્થા માટે ખતરો ઊભો કરે છે તો તેમને બીજી જેલમાં ટ્રાન્સફર કરી શકાય છે, આરોપીઓ સામે નોંધાયેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમજ અન્ય કેદીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.