વડોદરા,સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં છ વર્ષની બાળકીના પેટમાંથી લાંબા વાળની ગાંઠ સર્જરી કરીને દૂર કરવામાં આવી હતી.
શહેર નજીકના એક ગામમાં રહેતા ખેડૂત દંપતીની છ વર્ષની બાળકીને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવો અને વારંવાર ઉલટી થતી હતી. માતા-પિતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. સિટિ સ્કેન કરવામાં આવતા એવું નિદાન થયું હતું કે, વાળની ગાંઠ આંતરડા સુધી પહોંચી ગઈ છે. જેથી, તાત્કાલિક સર્જરી કરવાની જરૃરિયાત ઉભી થઇ હતી. સર્જરી વિભાગના ડો. આદીશ જૈન તથા તેમની ટીમે સર્જરી કરી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી સર્જરીમાં બાળકીના પેટમાંથી ૫૫ સેન્ટિમીટર લાંબા વાળની ગાંઠને દૂર કરવામાં આવી.
ડા. સંદીપ રાવે માહિતી આપી હતી કે, આ ગાંઠ થવા પાછળનું કારણ માનસિક સ્થિતિ છે. જેને ટ્રાઇકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. દર્દીને લાંબા સમયથી પોતાના વાળ ચાવવાની આદત હતી, જેના કારણે વાળ પેટમાં એકઠા થતાં ગયા અને આંતરડાની દીવાલો સાથે ચોંટી ગયા હતા.