Updated: Dec 15th, 2023
– દોઢ બે વર્ષથી ભંગાર રાખી મૂકવામાં આવ્યો છે, અને તેનો નિકાલ કરાતો નથી
– યુનિ સત્તાધીશો સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે
વડોદરા, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
વડોદરા ની એમએસ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ જ્યાં આવેલી છે તેના પ્રાંગણમાં જ છેલ્લા દોઢ બે વર્ષથી જૂનું ફર્નિચર, જૂની સાઇકલો, પ્લાસ્ટિકની ખુરશીઓ, લોખંડના પાઇપો સહિતના ભંગારનો ઢગલો કરી રાખવામાં આવ્યો છે, ત્યારે યુનિવર્સિટી હેડ ઓફિસની શોભા બગાડતા આ ભંગારનો ઢગલો તાત્કાલિક હટાવી જગ્યા સ્વચ્છ કરી તેનો સદુપયોગ કરવાની માગણી કરવામાં આવી છે.
એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને પૂર્વ વિદ્યાર્થી નેતાએ કહ્યું હતું કે હેડ ઓફિસની એક બાજુ એનસીસી ઓફિસ છે, એડલ્ટ એજ્યુકેશન નું સેન્ટર છે, બીજી પણ ઓફિસો છે અને તેની વચ્ચે ભંગારનો ઢગલો શા માટે રાખી મૂકવામાં આવ્યો છે તે સમજાતું નથી.અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ જ નિકાલ કરીશું કાલ નિકાલ કરીશું તેવા બહાના કાઢવામાં આવ્યા હતા, પરંતુ આ કોઈ મોટી વાત નથી. ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને તેનો નિકાલ થઈ શકે છે.
યુનિવર્સિટીએ શિક્ષણનું ધામ છે, કે જ્યાં માતા સરસ્વતી નો વાસ હોય છે, એવા સ્થળે ગંદકી સાથેના ભંગારના ઢગલા રાખવાનો કયો અર્થ છે તે સમજાતું નથી. આ ઢગલાની વચ્ચે જીવજંતુઓ અને સરીસૃપો રહેતા હોય છે, મચ્છરો નો ત્રાસ વકરે છે. આ જગ્યા સાફ કરીને તેનો સદ ઉપયોગ કરવો જોઈએ .હાલ આમ પણ સરકાર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જાહેર સ્થળો, જાહેર માર્ગો, તળાવો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો વગેરે સ્થળે સફાઈ અભિયાન થઈ રહ્યું છે, ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં પણ સફાઈ અભિયાન કરી ભંગારના ઢગલાનો નિકાલ કરવા માંગ કરી છે. જો આનો તાકીદે નિવેડો નહીં આવે તો બે ત્રણ દિવસમાં યુનિ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવશે એમ તેમણે કહ્યું છે.