વડોદરા,બીજા લગ્ન કરવા માટે પત્નીને મારઝૂડ કરી ત્રાસ ગુજારતા પતિ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવારોડ એકતાનગરમાં રહેતી પાયલ સલમાનભાઇ પઠાણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૮ – ૦૧ – ૨૦૨૪ ના રોજ સલમાન સમીરભાઇ પઠાણ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.લગ્ન પછી હું સંયુક્ત કુટુંબમાં રહેવા ગઇ હતી. મારા પતિએ થોડા સમય પછી મારી સાથે નાની બાબતોએ ઝઘડા કરવાનું શરૃ કર્યુ હતું.મારો પતિ બીજા લગ્ન કરવાનું કહીને મારી સાથે ઝઘડાઓ શરૃ કર્યા હતા. આ અંગે મારી સાસુને કહેતા તેમણે મને કહ્યું કે, મારો છોકરો તો આવો જ છે. લગ્ન કરતાપહેલા ખબર નહતી. શું કરવા લગ્ન કર્યા ?મારે માતાના ઘરે જવું હોય તો પણ મારા પતિ મને જવા દેતા નહતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. બે મહિના પહેલા હું જેમ તેમ કરીને મારા ઘરે ગઇ હતી. હું બીમાર પડતા મારા પતિ પિયરમાં આવી મને દવાખાને લઇ જવાનું કહી સાસરીમાં લઇ ગયા હતા અને બેલ્ટ વડે મને માર માર્યો હતો. ત્યારબાદ હું મારી માતાના ઘરે આવી ગઇ હતી. મારા પતિ દારૃ પીને ઘરે આવીને મને મારઝૂડ કરતા હતા.