Vadodara Corporation : વડોદરા શહેરના ખાસવાડી બહુચરાજી સ્મશાનના રીનોવેશન પાછળ ખાનગી કંપની દ્વારા કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે સ્મશાનમાં કેટલાક માથા ભારે તત્વો દ્વારા ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે એટલું જ નહીં સ્મશાનની સામે આવેલા ગેરેજોવાળા પણ હવે ગેરકાયદે રીતે બગડી ગયેલી ગાડીઓ મૂકી દબાણ કરી રહ્યા છે.
વડોદરા શહેરના 31 સ્મશાનોની કામગીરીનું આઉટસોર્સિંગ કરવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં તે અગાઉ વડોદરાના સૌથી વધુ ઉપયોગી એવા ખાસવાડી બહુચરાજી સ્મશાનના રીનોવેશન માટે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ખાનગી કંપની પાસે મદદની માંગણી કરવામાં આવી હતી અને તે આધારે ખાનગી કંપનીએ સાંસદની વાત સ્વીકારી ખાસવાડી સ્મશાનમાં અધ્યતન સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે મરાઠી સમાજને સયાજીરાવ ગાયકવાડ સમયથી ફાળવવામાં આવેલી દસપિંડ વિધિ માટેની જગ્યા અંગે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ તે અંગે યોગ્ય ઉકેલ આવતા હવે મરાઠી સમાજને પણ દસપિંડ વિધિ માટેની વ્યવસ્થા ચાલુ રાખવાનું નક્કી થયું હતું.
હાલમાં ખાનગી કંપની દ્વારા ખાસવાડી બહુચરાજી સ્મશાનનું રીનોવેશન ચાલી રહ્યું છે ત્યારે કેટલાક માથાભારે તત્વો દ્વારા સ્મશાનમાં જ ગેરકાયદે દબાણો કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં સ્મશાનની સામે આવેલા કેટલાક ગેરેજના સંચાલકો પર કોર્પોરેશનના દબાણ શાખાની ટીમે રસ્તા પર મૂકેલી ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરતાં કેટલાક ગેરેજના સંચાલકો દ્વારા બગડી ગયેલી ગાડીઓ સ્મશાનમાં મૂકી દઈ દબાણ કરી રહ્યા છે જેને કારણે વિવાદ સર્જાયો છે.
ખાસવાડી સ્મશાનગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજ જ્યાં દશપીંડ ક્રિયા કરે છે ત્યાં એ સ્થળે પણ હવે કેટલાક ગેરેજવાળાએ કબાડીની ગાડીઓ મુકવાનું શરૂ કર્યું છે જેથી વિવાદ સર્જાયો છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને રાજકારણીઓ હજુ પણ નહીં જાગે તો માથાભારે તત્વો સ્મશાનભૂમીમાં પણ ગેરકાયદેસર કબજો જમાવી દે તો નવાઈ નહીં.