વડોદરા, તા.19 વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા ખાતેની કિસ્મત ચોકડી પર વર્ષોથી સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણો પર જિલ્લા કલેક્ટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દબાણો આજે સાંજે દૂર કરીને જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાંદલજામાં કિસ્મત ચોકડી પર આશરે ૧૨ હજાર ચોરસફૂટ જેટલી જમીન સરકારી હતી. આ જમીન પર છેલ્લા ૧૦ વર્ષથી પણ વધુ સમયથી પાકા બાંધકામ કરીને ગેરેજ, મોબાઇલ શોપ, પોલ્ટ્રિ ફાર્મ ઊભા કરી દેવામાં આવ્યા હતાં. સરકારી જમીન પર મોટાપાયે દબાણો કરવામાં આવ્યા છે તે ધ્યાને આવતા ગયા વર્ષે તમામને નોટિસો આપવામાં આવી હતી અને ત્યારબાદ નોટિસનો કોઇ પ્રત્યુતર નહી મળતાં આજે આખરે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજે સાંજે સાત વાગે કોર્પોરેશન તેમજ પોલીસના સંકલનથી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે શહેર એસડીએમ વિરાભાઇ સાંભડે જણાવ્યું હતું કે ચાર રસ્તા પર જ આવેલી સરકારી જગ્યા આશરે રૃા.૬ કરોડની કિંમતની થાય છે. આ જમીન પર વર્ષોથી દબાણો કરાયા હતાં અને નોટિસો આપ્યા બાદ આજે ચાર પંચરની દુકાનો, બે ગેરેજ, એક પોલ્ટ્રિ ફાર્મની આઠ જેટલી ઓરડીઓ મળી કુલ ૧૫ જેટલા દબાણો દુર કરી દેવામાં આવ્યા હતાં.
આશરે એક કલાક સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સદનસીબે કોઇ અપ્રિય ઘટના બની ન હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે આવતીકાલે આ જગ્યા પર ફેન્સિંગ કરી દેવામાં આવશે જેથી ભવિષ્યમાં ફરી દબાણો ના થઇ શકે.