વડોદરા એક તરફ લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ પતંગની દોરીના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો દોરીથી ગળુ કપાવવાના કારણે, ધાબા પરથી પટકાવવાના કારણે અને પતંગ પકડવાના લ્હાયમાં ટ્રેનની અડફેટે આવવાના કારણે એક મહિલા સહિત ૩ જણના મોત થયા છે.
છાણી ગામમાં આવેલી આશિષ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી ઇન્સ્ટિટયૂટમા એડમિનિસ્ટ્રેટિવ તરીકે કામ કરતા માધુરી કૌશિકભાઇ પટેલ (ઉ.૩૫) ઉત્તરાયણના દિવસે તેમની માતાની તબિયત સારી નહી હોવાથી દવા લેવા માટે મોપેડ લઇને નીકળ્યા હતા. દરમિયાન છાણી કેનાલરોડ ઉપર હનુમાનજી મંદિર નજીક જયનારાયણ પાર્ક પાસે પતંગદોરી માધુરીના ગળામાં ભરાઇ જતાં ગળામાં ઊંડો ઘાવ પડી ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયા હતા. તેમને તુરંત એસએસજી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરે સારવાર શરૃ કરી હતી પરંતુ ટુંકી સારવારમાં જ તેઓનું મૃત્યુ થયુ હતું.
બીજો બનાવ સયાજીપુરા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બન્યો હતો. મૂળ રાજસ્થાનનો ૨૪ વર્ષનો યુવાન રાજુ પદ્મરામ નાથ મંગળવારે ઉત્તરાયણના દિવસે મિત્રો સાથે ધાબા પર પતંગ ઉડાવવાની મજા માણી રહ્યો હતો આ દરમિયાન પતંગ પકડવા માટે દોડતા તે સાતમા માળેથી પટકાતા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતું. જ્યારે પાદરા તાલુકાના જાસપુર ખાતે રહેતો મયુર પ્રવિણભાઇ પરમાર (ઉ.૨૩) કેલનપુર રેલવે સ્ટેશન પાસે પતંગ પકડવા માટે રેલવે ટ્રેક પર દોટ લગાવી હતી આ દરમિયાન ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે મયુરનું મોત થયુ હતું.પતંગ દોરીથી ગળા, હાથ, પગ અને મોઢા પર ઇજા થવાના અને ધાબા પરથી પટકાવવાના કારણે ઇજા થવાના મળીને ૨૪ કલાકમાં ૩૦થી વધુ બનાવો નોંધાયા છે.