વડોદરા : કોટંબી ગામની સીમમાં નવ નિર્મિત ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારથી પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ મેચની સિરિઝ શરૃ થઇ રહી છે. જો કે આ સિરિઝ વીમેન ક્રિકેટની છે અને તે ભારત – વેસ્ટિ ઇન્ડિઝની ટીમ વચ્ચે રમાશે. શુક્રવારે રાત્રે બન્ને ટીમોનું વડોદરા આગમન થયુ હતું. આજે બન્ને ટીમોએ કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. બન્ને ટીમો ઉત્સાહમાં જણાતી હતી. આંતરરાષ્ટ્રીય મેચ હોવાના પગલે સ્ટેડિયમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે ડે-નાઇટ અને એક ડે મળીને કુલ ત્રણ મેચની સિરિઝમાં રવિવારે ડે-નાઇટ મેચ રમાશે જે બપોરે દોઢ વાગ્યાથી શરૃ થશે. આજે પ્રેક્ટિસ સેશન બાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમના કેપ્ટન અને ભારતીય ટીમના હેડ કોચે પત્રકારો સાથે વાત કરી હતી.
નવા ગ્રાઉન્ડ ઉપર જીતની ધજા ફરકાવીશું અમોલ મજુમદાર (હેડ કોચ – ભારતીય ટીમ)
ભારતીય વિમેન ટીમના હેડ કોચ અમોલ મજુમદારે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે ‘કેપ્ટન હરમનપ્રીત એકદમ ફીટ છે. સાંજે તેમણે નેટ પ્રેક્ટિસ પણ કરી છે. કોટંબી સ્ટેડિયમ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં અમારી ટીમ ઉતરશે તે ઐતીહાસિક ઘટના છે અને અમે નવા ગ્રાઉન્ડ ઉપર જીતની ધજા ફરકાવીશું. કોટંબીની પીચ મુંબઇ જેવી છે. ગ્રાઉન્ડ પણ સારૃ તૈયાર કરવામાં આવ્યુ છે. અહી સુવિધાઓ પણ સારી છે.
વડોદરાની પ્લેયર યાસ્તિકા ભાટીયા ઇજાગ્રસ્ત હોવાથી તે સારવાર હેઠળ છે એટલે આ સિરિઝમાં તેની ખોટ વર્તાશ. ટી-૨૦માં શાનદાર પરફોર્મન્સ બાદ હવે વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સિરિઝ માટે અમે ફીટ છીએ. ટીમ હાર્ડ પ્રેક્ટિસ કરી રહી છે.
ટી-૨૦ અમે હાર્યા હતા. વન ડે સિરિઝ જીતીને જઇશું : હેલી મેથ્યુઝ (વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન)
વેસ્ટ ઇન્ડિઝ વીમેન ક્રિકેટ ટીમના કેપ્ટન હેલી મેથ્યુઝે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ‘ગુજરાતની અને વડોદરાની ધરતી ઉપર અમે પ્રથમ વખત મેચ રમીશું. કોટંબી ગ્રાઉન્ડ નવુ છે. આધુનિક સુવિધાઓ છે. ભારતીય ટીમ સામે છેલ્લે અમે ટી-૨૦ સિરિઝ રમી હતી જેમાં ૨-૧ થી અમે હાર્યા હતા. ટી-૨૦ સિરિઝ બાદ અમે અમારી ખામીઓનું વિશ્લેષણ કરીને ઘણો સુધારો કર્યો છે એટલે આ વખતે પુરી તૈયારી સાથી અમે કાલે મેદાનમાં ઉપરીશું. આ વન-ડે સિરિઝમાં પુરી તાકાતથી ટક્કર આપીશુ અને સિરિઝ જીતીને જઇશું.’
‘ભારતીય ટીમના પ્લેયર યાસ્તિકા ભાટીયા વડોદરાના જ છે અને તેની સાથે ઘણી મેચ રમી છે પણ તે ઇજાગ્રસ્ત હોવાથી આ સિરિઝ નહી રમી શકે એટલે તેની ખોટ વર્તાશે.’
6 હજારથી વધુ દર્શકો હાજર રહે તેવી શક્યતા
આશરે ૩૦ હજાર બેઠક વ્યવસ્થા ધરાવતા કોટંબી સ્ટેડિયમમાં હજુ ઘણુ કામ બાકી હોવાથી સ્ટેડિયમનો ૬૦ ટકાથી વધુ ભાગ બંધ રાખવામાં આવ્યો છે એટલે ૧૦ હજાર બેઠક વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ છે જેમાં બીબીસીઆઇના ૧,૦૦૦, ૨૫૦૦ બીસીએના સભ્યો અને ઓનલાઇન વેચાણ થકી વેચાયેલા ૨૫૦૦ જેટલા પાસ મળીને ૬,૦૦૦થી વધુ દર્શકો રવિવારે પ્રથમ મેચમાં સ્ટેડિયમ ઉપર બન્ને ટીમોને ચીઅર અપ કરવા હાજર રહે તેવી સંભાવના છે.
વીમેન વન-ડે ઇન્ટરનેશનલ માટે વિશેષ જાણકારી
પ્રથમ મેચ (ડે-નાઇટ) : ૨૨ ડિસેમ્બર, બપોરે ૧.૩૦ વાગ્યાથી
બીજી મેચ (ડે-નાઇટ) : ૨૪ ડિસેમ્બર, બપોરે ૧.૩૦ વાગ્યાથી
ત્રીજા મેચ (ડે મેચ) : ૨૭ ડિસેમ્બર, સવારે ૯.૩૦ વાગ્યાથી
દર્શકોને પ્રવેશ માટે મેચના બે કલાક પહેલા સ્ટેડિયમના ગેટ ખુલી જશે
થેલીઓ, બેકપેક, મોટા પર્સ, બહારનું ફુડ અને પીણા, તિક્ષ્ણ વસ્તુઓ, લાઇટર, જ્વલનશીલ પદાર્થ, ઇલેક્ટ્રોનિક ગેઝેટ્, (મોબાઇલ લઇ જઇ શકાશે), પોસ્ટર, બેનર, ઝંડાઓ, પ્રોફેશનલ કેમેરા લઇ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગેટ ઉપર જ જપ્ત કરી લેવાશે.