વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકે તાજેતરમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
આ મામલામાં હવે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે શિક્ષણ વિભાગના અધિક સચિવને તપાસ કરવા માટે આદેશ આપતા યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણનો હવાલો સંભાળતા મંત્રી ઋષિકેશ પટેલના અધિક અંગત સચિવે જ અધિક મુખ્ય સચિવને આપેલા આદેશમાં નિયમ પ્રમાણે તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ શિક્ષણ વિભાગની નિકટના મનાય છે ત્યારે તપાસનો આદેશ થતા અધ્યાપક આલમમાં પણ ચર્ચા શરુ થઈ છે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટી, આર્ટસ ફેકલ્ટી અને ટેકનોલોજી ફેકલ્ટીના આર્કિટેક્ચર વિભાગમાં લગભગ આઠ જેટલા હંગામી અધ્યાપકોની પોસ્ટ માટે થયેલા ઈન્ટરવ્યૂમાં વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે કરેલા દબાણના કારણે ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હોવાનો સ્ફોટક આક્ષેપ કરીને પ્રો.પાઠકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને એ પછી તપાસનો આદેશ અપાયો છે.જોકે આ આદેશ અપાયાના પંદર દિવસ બાદ પણ હજી સુધી કોઈ તપાસ કમિટિ યુનિવર્સિટીમાં તપાસ કરવા માટે આવી નથી.